ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો દોર ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી મહિનામાં જ ચૂંટણી થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે હવે ચૂંટણીની તારીખને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. આ બને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ વિપક્ષમાં છે અને બંને રાજ્યોમાં આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી ગઈ છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો જંગ ત્રિપાંખીયો થવાનો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પુરા જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે.
આગામી 20મી તારીખ બાદ થઇ શકે છે જાહેરાત
ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે આગામી 20મી તારીખે એટલેકે દિવાળીના તહેવાર પહેલા જ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. ચૂંટણીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી 20મી તારીખ બાદ ચૂંટણી કમિશનર જાહેર કરી શકે છે તારીખ. આ માટે આગામી ચાર દિવસ બાદ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. ગુજરાતમાં આગામી 16ની તારીખથી 21મી તારીખ સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ સમીક્ષા દરમિયાન ગુજરાતના 4 જુદા જુદા ઝોનમાં વહીવટી બેઠકો પણ યોજાશે.
ગત ચૂંટણીની તારીખ પણ આ જ સમયગાળામાં જાહેર થઇ હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર અને નવેમ્બરના અંતમાં જ થતી હોય છે. ગત ચૂંટણીની તારીખ પણ ઓક્ટોબરની 25મીએ જ જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે ચૂંટણીની તારીખ માટે પણ ઓક્ટોબર મહિનો જ પસંદ કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. જો કે આ વર્ષે દિવાળીનો તહેવાર માથે છે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ તે પહેલા જ થઇ શકે છે. રાજકીય વર્તુળોમાં પણ આગામી એક સપ્તાહમાં જ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.
ચૂંટણી પહેલા મતદાર યાદી જાહેર
ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહરે થાય તે પહેલા જ ચૂંટણીનો આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરી દીધી છે ગુજરાતમાં આ વર્ષે કુલ 4 કરોડ 90 લાખ કરતા પણ વધારે મતદારો નોંધાયા છે. ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 491 મતદારો ઉમેરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.