કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા ભાવનગર જિલ્લાની ત્રણ યુવતી સહિત આશરે ૭ વ્યકિતના મોત નિપજયા હોવાનુ જાણવા મળેલ છે. દેસાઈનગરની બે બહેનો અને સિહોરની એક યુવતી ચાર દિવસ પૂર્વે કેદારનાથ જવા રવાના થઈ હતી. ત્રણેય યુવતીના મોતના સમાચાર મળતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. ભાવનગર શહેરના ચિત્રા વોર્ડમાં આવેલ દેસાઈનગર ખાતે રહેતા ઉર્વીબેન જયેશભાઈ બારડ (ઉ.ર૮), કૃતિબેન કમલેશભાઈ બારડ (ઉ.૩૦) અને સિહોરના પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્વાબેન વિનોદભાઈ રામાનુજ (ઉ.ર૬) વગેરે ગત તા. ૧૪ ઓકટોબરે ભાવનગરથી કેદારનાથ જવા રવાના થયા હતાં. ઉર્વીબેન અને કૃતિબેન કાકા-દાદાની બહેનો થાય છે, જયારે પૂર્વાબેન તેની બહેનપણી હતી. મંગળવારે સવારે ત્રણેય યુવતી કેદારનાથ દર્શન માટે જતી હતી. ગૃપ્તકાશીથી કેદારનાથ ખાતે હેલિકોપ્ટરમાં જતા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે અચાનક હેલિકોપ્ટર ક્રેેશ થતા દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં બેસેલા આશરે ૭ વ્યકિતના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા, જેમાં ભાવનગરની ત્રણેય યુવતીનો સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ અકસ્માતમાં ભાગ્યે જ કોઈ બચ્યુ હોય તેમ ચર્ચાય રહ્યુ હતું. કેદારનાથથી ર કિલોમીટર દુર ગુરૂડચટ્ટીમાં અકસ્માત બન્યો હોવાનુ સુત્રોએ જણાવેલ છે. આ અંગે મૃતકના પરિવારજનોને સવારે ૧૧ કલાક આસપાસ જાણ થઈ હતી. ત્રણેય યુવતીના હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મોત નિપજતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.