ગુજરાતમાં કુલ 144 ટાપુઓ, જેમાં પિરોટન, શિયાલ સહિત આ 13 ટાપુ પર પ્રવાસનના વિકાસમાં સરકારને રસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સોમવારે આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની યોજાયેલી બીજી બેઠકમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ અને ભાવનગર જિલ્લાના શિયાલ બેટ ખાતે પ્રવાસન વિકાસની શક્યતા અંગે સમીક્ષા કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ બે ટાપુઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી વ્યાપક વિકાસની શક્યતાઓ તપાસવાનું સૂચન કર્યું હતું.

જામનગરમાં બેડી બંદરથી દરિયામાં ૫ કિલોમીટર દૂર પિરોટન ટાપુ લાઇટ હાઉસ ઉપરાંત ચેર, લીમડો, બાવળ, કાથી, આમળા જેવા વૃક્ષો અને દરિયામાં પરવાળા આવેલા હોઈ અહીં વિકાસની શક્યતા જણાવાઈ હતી. આવી જ રીતે પીપાવાવ પોર્ટથી નજીક આવેલા શિયાલ બેટ- સુવઈ બેટ ઉપર સારી પરિસ્થિતિના લીધે પ્રવાસનની શક્યતા ચકાસવામાં આવી હતી. ગત ઓગસ્ટમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલી નવી ઓથોરિટીનો હેતુ પ્રવાસન વિકાસ ઉપરાંત સુરક્ષા જાળવણીનો પણ છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ ઉપરાંત વનપર્યાવરણ, શહેરી વિકાસ, ગૃહ, પોર્ટ વગેરે વિભાગોના તથા જીએમબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.