ગાડીની ઠોકરે બે લોકોના થયા મૃત્યુ: અનેક લોકો ઘાયલ, માટેના મઢે પદયાત્રા કરી દર્શન કરવા નિકળેલ યુવકનું મૃત્યુ

રાજકોટમાં ગાડીની ઠોકરે બે લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પહેલા બનાવમાં રાજકોટ પરિવાર રિક્ષામાં હતા તે રિક્ષાની વેગનઆર કાર સાથે અકસ્માત થતાં રિક્ષા સવાર છ લોકોને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં માતાના મઢે દર્શન કરવા નિકળેલ પદયાત્રી કારની અડફેટે આવતા મૃત્યુ પામ્યો હતો રાજકોટ રહેતા બગદાણા અને ઉંચા કોટડા ગામે પરિવારના લોકો બે રિક્ષા લઇ દર્શન કરવા ગયા હતાં. પરત આવતી વખતે એક રિક્ષાને અકસ્માત નડયો હતો. સ્વજનના કહેવા મુજબ કાર રોંગ સાઇડમાં ધસી આવી હતી અને રિક્ષાને ઉલાળી દીધી હતી. આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં 25 વારીયામાં રહેતાં બળવંતભાઇ વિઠ્ઠલભાઇ ટુંડીયા (વણકર) (ઉ.60), તેમના પત્નિ જયાબેન (ઉ.55) તથા ભાણેજ હિતેષ અરજણભાઇ વાઢેર (ઉ.30), હિતેષના માતા જીવુબેન અરજણભાઇ વાઢેર (ઉ.55), તેમજ ગૌતમ નથુભાઇ વેગડા (ઉ.32), મહેન્દ્ર અજરણભાઇ વાઢેર (ઉ.33) તથા નટુભાઇ લવજીભાઇ વેગડા તથા બીજા પરિવારજનો બે રિક્ષા મારફત બગદાણા દર્શને ગયા હતાં. ત્યાં દર્શન કરી બધા ઉંચા કોટડા આવ્યા હતાં અને અહિથી ભાઇબીજના દિવસે દર્શન કર્યા બાદ રિક્ષા નં. જીજે03બીએક્સ-2560માં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતાં. રિક્ષા હિતેષભાઇ ચલાવી રહ્યો હતો. સાવરકુંડલાથી ચારેક કિ.મી. દૂર હાઇવે પર પહોંચ્યા ત્યારે એકસ એમએલએ ગુજરાત લખેલી જીજે14બીએ-4299 નંબરની વેગનઆર કારના ચાલકે રિક્ષાને ઉલાળતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ખાબકતાં બુકડો બોલી ગયો હતો અને અંદર બેઠેલા તમામને ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ બળવંતભાઇ ટુંડીયાનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જ્યારે તેમના પત્નિ જયાબેન સહિતનાને સારવાર માટે દાખલ કરાયા હતાં. મૃત્યુ પામનાર બળવંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દિલીપભાઇએ જણાવ્યું હતું કે અમે બીજી રિક્ષામાં હતાં.મારા પિતા જે રિક્ષામાં હતાં તેની સાથે અથડાયેલી વેગનઆર રોંગ સાઇડમાં ધસી આવી હતી. તેમાં એક્સ એમએલએ ગુજરાત લખેલુ હતું. તેનો ચાલક સહિતના કારમાંથી ઉતરી કાર મુકી ભાગી ગયા હતાં. કારમાં પણ નુકસાન થયુ હતું. તો અન્ય બનાવમાં કુવાડવા નજીક મોરબી હાઇવે પર મોમાઇ હોટલ પાસે રાત્રીના નવેક વાગ્યે હિટ એન્ડ રનની ઘટનામાં મોરબીના રિલીફનગર-14માં રહેતાં પદયાત્રી યુવાન મયુરભાઇ રમેશચંદ્ર મેડા (ઉ.વ.39)નું મોત નિપજ્યું હતું. તેઓ છ લોકો મોરબીથી પાંચવડા માતાજીના મઢે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મોરબી રહેતાં મયુરભાઇ મેડા અને બીજા પાંચ લોકો પરમ દિવસે મોરબીથી પાંચવડા માતાજીના મઢે દર્શન કરવા જવા પગપાળા નીકળ્યા હતાં. ગત રાતે નવેક વાગ્યે આ પદયાત્રીઓ કુવાડવા નજીક મોરબી હાઇવે પર પહોંચ્યા ત્યારે એક કારનો ચાલક મયુરભાઇને ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક મયુર ભાઈ ત્રણ ભાઇમાં નાના હતા અને સિરામિક કંપનીમાં કામ કરતા હતા. યુવાન મયુરભાઈના મૃત્યુના કારણે પરિવારમાં ગમગીની છવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.