જુનાગઢના ગરવા ગિરનારની અતિ પ્રાચીન અને પૌરાણિક લીલી પરિક્રમાનો ગત મધરાતના પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લીલી પરિક્રમા સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી. આ લીલી પરિક્રમામાં મહત્વનું છે કે ભવનાથમાં શ્રદ્ધાળુઓના ઘસારાને જોતા વહેલી સવારે લીલી પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. ગિરનારની લીલી પરિક્રમા 36 કિલોમીટરમાં થાય છે જેમાં જીણાબાવાની મઢી, માળ વેલા, સરખડિયા હનુમાન અને બોર દેવીના સ્થળ મુખ્ય હોય છે. આ પરિક્રમા માટે શ્રદ્ધાળુ દૂર દૂરથી આવતા હોય છે. એક રીતે લીલી પરિક્રમા શરૂ થાય એ પૂર્વે જ બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ આરે હોય તેવી પણ એ ખબર મળી રહી છે.
મહત્વનું છે કે કારતક સુદ એકાદશીએ શરુ થતી લીલી પરિક્રમા પૂનમના દિવસે પૂર્ણ થાય છે. પરંતુ એ પૂર્વે ઘણા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત લીલી પરિક્રમાનો ભવ્ય રીતે આયોજન થવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે હરવા ફરવા સ્થળો ઉપરાંત પરિક્રમા તેમજ ઉત્સવો પર પણ બ્રેક લાગી ગયો હતો ત્યારે હવે આ વર્ષથી ફરીથી લીલી પરિક્રમા શરુ થતા જ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આ વર્ષે લીલી પરિક્રમામાં વધારે શ્રદ્ધાળુ આવવાનો હોવાથી લીલી પરિક્રમાના વિવિધ સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આરોગ્યની ટીમ પણ ઠેર ઠેર તૈયાર રાખવામાં આવી છે જેથી કોઈ ઇમરજન્સીની જરૂરિયાત ઉભી થાય તો આરોગ્યની ટીમ દ્વારા યોગ્ય ત્વરિત સારવાર મળી શકે. જૂનાગઢ ખાતે આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ચાર પડાવ આવે છે જ્યા શ્રદ્ધાળુઓ પોરો ખાઈ છે. આ લીલી પરિક્રમામાં અનેક સેવાકીય સંસ્થા પણ કાર્યરત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.