વડોદરાના સિંઘરોટ ગામના ખેતરમાં બનાવેલી ફેક્ટરીમાંથી ઝડપાયેલા રૂ 478 કરોડ ડ્રગ્સ પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે અને આ પ્રકરણમાં ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમના સાગરીત ઇકબાલ મિર્ચીના ખાસ માણસ એવા સલીમ ડોલાની સંડોવણી ખુલી છે.
જોકે,2013માં ઇકબાલ મિર્ચીનું મોત થઈ ગયું છે પણ તેની મેન્ડ્રેકસની તસ્કરીના છેડા છેક ઉતર, દક્ષિણ અમેરિકા અને યુરોપના ડ્રગ્સ માફિયા સુધી પહોંચેલા હતા અને મિરચીના સાગરીત તરીકે તે વેળા સલીમ ડોલા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ગાજયો હતો.
દરમ્યાન 2017માં મોડેલ્સ અને સેલીબ્રીટીઓને ડ્રગ્સ સપ્લાય કરવાના પ્રકરણમાં સૌમીલ પાઠક ઝડપાયો ત્યારે સૌમીલ અને સલીમ ડોલાની મુલાકાત મુંબઈની જેલમાં થઇ હતી ત્યારબાદ બંને સંપર્કમાં હતા અને સિંધરોટમાં ડ્રગ્સ બનાવવા ફેક્ટરી નાખવાનું કર્યું હતું.
જોકે,એટીએસની ટીમે સૌમીલ પાઠક, શૈલેષ કટારિયા, વિનોદ નિજામા, મો.શફી ઉર્ફે જગ્ગુ દિવાન તેમજ ભરત ચાવડા ને ઝડપી લેતા હવે આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કે આંતરરાજય ડ્રગ્સ માફિયા તથા આંતકવાડી સંગઠનો સાથે સંકળાયેલા છે કે કેમ? તે દિશામાં તપાસ માટે એટીએસના પીઆઈ બી.એસ.કોરાટની રજૂઆત બાદ કોર્ટે 8મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહત્વનું છે કે અગાઉ ગુજરાતના પિપાવાવ બંદર ખાતેથી 5.5 કરોડની ગુટખાની તસ્કરીના પ્રયાસમાં ડીઆરઆઈ ના અધિકારીઓના હાથે સલીમ ડોલા પકડાઈ ગયો હતો આ અગાઉ પણ સલીમ ડોલાની મુંબઇ પોલીસે 80 કિલ્લો હશીસ સાથે ઝડપ્યો હતો.
52 વર્ષનો ‘સલીમ ડોલા મુંબઇના સેવરી (શિવડી) રહીશ છે.
નશીલા પદાર્થોની હેરાફેરીમાં ડોલાનું નામ બદનામ છે અને ભુતકાળમાં તેની અનેકવાર ધરપકડ થઇ ચુકી છે અને હવે તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આમ,વડોદરામાં સલીમ ડોલાની સંડોવણી સામે આવતા મોટા ખુલાસા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.