વડોદરા શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ પોલીસ ફરતી થઇ છે અને સમા વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં ગઠિયાઓએ એક મહિલાના દાગીના પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં બપોરે બનેલા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, અલ્પાબેન મેઘાણી નામની મહિલા લોટ લેવા માટે નીકળી હતી અને ત્યારે એક ગઠિયાએ તેમને રોકી કહ્યું હતું કે, પેલા પોલીસવાળા સાહેબ બોલાવે છે.
મહિલાએ કહ્યું હતું કે, મને કેમ બોલાવે છે અને મેં કોઇ ગુનો કર્યો નથી. જેથી ગઠિયાએ કહ્યું હતું કે, સાહેબ મને પણ બોલાવે છે. જેથી મહિલા અને ગઠિયો બંને જણા પોલીસ જેવા લાગતા બીજા એક ઠગ પાસે પહોંચ્યા હતા. ઠગે બંન્નેને એક ખૂણામાં લઇ જઇ આગળ મર્ડર થયું છે અને તેમ કહીં દાગીના કાઢી નાંખવા કહ્યું હતું.
મહિલાએ ચેન અને વીંટી કાઢી રૃમાલમાં મુકતાં ગઠિયાએ કાગળ આપી તેમાં મુકવા કહ્યું હતું અને મહિલાએ કાગળમાં દાગીના મુકતાં ઠગે તેમના હાથમાંથી દાગીના લઇ કાગળમાં મુક્યા હતા અને અગાઉથી હાથમાં રાખેલું કાગળનું પડીકું પકડાવી દીધું હતું.
ત્યારબાદ બાઇક પર બંને ગઠિયા ફરાર થઇ ગયા હતા. જેથી મહિલાને શંકા જતાં કાગળ ખોલતાં તેમાં દાગીના જણાયા નહોતા અને આ અંગે સમા પોલીસે માત્ર અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.