નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી

અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. આ નવો સમય 30 જાન્યુઆરી બાદ અમલી બનશે અને મહત્વનું છે કે, હાલ સવારે 9 વાગ્યે મેટ્રો શરૂ કરવામાં આવે છે.

વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા સમયે મેટ્રો દોડતી થતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેના કારણે મેટ્રોને આવકમાં પણ ધરખમ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, ટ્રેન શરૂ થયાના 3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે.

PM મોદીના હસ્તે ગત 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના બે દિવસ બાદ નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી અને અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.