વારંવાર નોટીસ આપવા છતાં બંધ કામ ન અટકાવતા રાજકોટ મનપાએ ૨૧ દૂકાનો પર બુલ્ડોઝર ફેરવ્યું
News Detail
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.4માં ભગવતીપરા મેઇન રોડ પર કોર્પોરેશનના બુલડોઝરોએ ધણધણાટી બોલાવી હતી. ત્રણ આસામીઓ દ્વારા માર્જીનની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલી 21 દુકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. જ્યારે અયોધ્યા પાર્ક મેઇન રોડ પર પણ માર્જીનની જગ્યામાં ગેરકાયદે ખડકાતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરના ભગવતીપરા મેઇન રોડ પર અલગ-અલગ ત્રણ જગ્યાએ માર્જીનની જગ્યામાં આસામીઓ દ્વારા દુકાનોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતા ટીપી શાખા દ્વારા ત્રણ મહિનામાં અલગ-અલગ ચાર નોટિસો આપવામાં આવી હતી. છતાં દુકાનોનું બાંધકામ બંધ કરવામાં ન આવતા આજે સવારે ટીપીનો કાફલો બુલડોઝર સાથે ત્રાટક્યો હતો. ભગવતીપરા મેઇન રોડ પર સુખ સાગર હોલની પાસે વિનોદભાઇ હંસરાજભાઇ મુંગરા નામના આસામી દ્વારા માર્જીનની જગ્યામાં ખડકી દેવાયેલી આઠ દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે આ જ સ્થળે થોડા આગળ લક્ષ્મીધર નફીસા અબ્દેઅલી નામના વ્યક્તિએ માર્જીનની જગ્યામાં ચાર દુકાનોનું બાંધકામ કર્યું હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપીનો કાફલો ભગવતીપરા મેઇન રોડ પર વંદે માતરમ્ કોર્નર પર મોર્ડન સ્કૂલ પાસે ત્રાટક્યો હતો. જ્યાં હાજીભાઇ મોહસીન મેમણ નામના વ્યક્તિએ માર્જીનની જગ્યામાં 9 દુકાનો બનાવી લીધી હતી. જે તોડી પાડવામાં આવી હતી. અયોધ્યા પાર્ક મેઇન રોડ પર રહેમત અલી સીદ્કી નામના વ્યક્તિ દ્વારા મંજૂર થયેલા પ્લાનથી વિરૂધ્ધ બાંધકામ કરવામાં આવતુ હોય જે પણ તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ અને વીજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.