અમદાવાદ: થલતેજમાં AMCના કર્મચારીઓ પર નિવૃત્ત IAS અધિકારી અને પૂર્વ મ્યુનિ. કમિશનરના પુત્રનો છરી વડે હુમલો

આ ઝૂંબેશ હેઠળ કુલ 31 પૈકી 30 સીલની કામગીરી પૂર્ણ થઈ હતી, જ્યારે છેલ્લી ઓફિસ સીલ કરવા માટે આ બે કર્મચારી રાકેશભાઇ અને યોગેશભાઇ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પહોંચ્યા હતા.

News Detail

અમદાવાદના થલતેજ વિસ્તારમાં નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી અને છરી વડે હુમલાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થયો છે. એએમસીની ટેક્સ ક્લેક્શન ટીમના કર્મચારી પર નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રે  છરી અને કાચનો ગ્લાસ ફોડી હુમલો કરાયો હતો. માહિતી મુજબ, વેરા વસૂલાત મુદ્દે માથાકૂટ થતા એએમસીના કર્મચારી પર આ હુમલો કરાયો છે. આ અંગે ભોગ બનનાર કર્મચારીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા હાલ ઘણા સમયથી ટેકસ ન ભરતા હોય અને વેરાની મોટી રકમ બાકી હોય તેવા શહેરીજનો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે શહેરમાં મેગા ટ્રીગર સિલિંગ ઝૂંબેશ શરૂ કરાઈ છે. જે હેઠળ કોર્પોરેશનની અલગ-અલગ ટીમ વિવિધ વિસ્તારમાં કામગીરી કરી રહી છે. ત્યારે શુક્રવારે સવારે એમએમસીની એક ટીમ દ્વારા વસૂલાત માટે થલતેજ વિસ્તારમાં આવેલી એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસમાં સિલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. આ ઝૂંબેશ હેઠળ કુલ 31 પૈકી 30 સીલની કામગીરી પૂર્ણ થઈ હતી, જ્યારે છેલ્લી ઓફિસ સીલ કરવા માટે આ બે કર્મચારી રાકેશભાઇ અને યોગેશભાઇ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પહોંચ્યા હતા.

હુમલાખોરે છરી અને કાંચના ગ્લાસથી હુમલો કર્યો

દરમિયાન કર્મચારીઓ ઓફિસ માલિકની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નિવૃત આઈએએસ અધિકારી અને પૂર્વ એએમસી કમિશનરના પુત્ર આશિષ ત્રિપાઠીએ બંને કર્મચારીઓ પર છરી અને કાંચના ગ્લાસથી હુમલો કર્યો હતો અને આપત્તિજનક શબ્દો પણ બોલ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એએમસીની ટીમે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી શખ્સની અટકાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.