નવસારીમાં ચીખલી તાલુકાના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ઘોર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા હોબાળો મચી ગયો છે. બાળકોને આપવામાં આવતા ભોજનમાં આ ઘોર બેદરકારી કહી શકાય. આ ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણકારી મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ આપવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં શાળામાં તૈયાર થતા મીડ-ડે મિલને બંધ કરીને ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બપોરના ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પહેલા 2017માં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા ભોજનની ક્વોલિટી બાબતે વિરોધ કર્યો હતો. આ પહેલા પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ કોઈ પગલા લઈને આ સંસ્થાનું મિડ-ડે મિલ કોન્ટ્રાક્ટ કેન્સલ કરે છે કે પછી જેમ છે તેમ ફરી બધું ચાલવા દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.