સુરતના કતારગામની લક્ષ્મી રેસીડેન્સીના રહીશો અને બિલ્ડર વચ્ચે ચાલી આવેલા જગ્યાના વિવાદના પગલે આજ રોજ સોસાયટીના ફ્લેટ ધારકો ફરી સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા. જ્યાં સોસાયટીના ક્લબ હાઉસની જગ્યા ઉપર બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા પ્લાન વિરુદ્ધના બાંધકામ સામે કાર્યવાહીની માંગ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવી છે.ગતરોજ પોલીસ કમિશનરને રજૂઆત બાદ આજે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં મુગલીસરાઈ સ્થિત પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા.
સોસાયટીના આગેવાનોએ આ મામલે પાલિકા કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા પ્લાન વિરુદ્ધના બાંધકામ સામે કાર્યવાહીની માંગ કરી હતી. લક્ષ્મી રેસીડેન્સીના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડર દ્વારા સોસાયટીના ક્લબ હાઉસની જગ્યા પર કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.બિલ્ડર દ્વારા પ્લાન વિરુદ્ધનું ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલ અને પાર્ટીશન કરાવવામાં આવી રહ્યું છે.
જેની સામે કાર્યવાહી થાય તેવી માંગ સોસાયટીના લોકોની છે. ભવિષ્યમાં આવી કોઈ પરવાનગી ન આપવા, સોસાયટીના ક્લબ હાઉસ ની જગ્યામાં પરવાનગી વિના ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ રોકી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સોસાયટી વાસીઓની છે. ઉપરાંત કતારગામના અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવા છતાં કાર્યવાહીના થતા જવાબદાર અધિકારીઓ સામે પણ ખાતાકીય તપાસ બેસાડવામાં આવે તેવી લાગણી અને માંગણી સોસાયટીના લોકોની છે.લોકોના આક્ષેપ છે કે, બાંધકામ કરતી વેળાએ બિલ્ડર દ્વારા સંપૂર્ણ બાંધકામ થઈ ગયા બાદ અલગ અલગ સુવિધાઓ આપવાની બાયંધરી આપવામાં આવી હતી. પરંતુ ફ્લેટનો કબજો લઈ લીધા બાદ સોસાયટીના લોકોને મળવા પાત્ર સુવિધાઓ આપવામાં આવી નથી. આ સાથે સોસાયટીના હિતમાં આવતી જગ્યા ઉપર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહી છે. જે પ્લાન વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે હોવાનો આક્ષેપ સોસાયટીના લોકોએ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.