કપાસના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયો હતો, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં સતત અને વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સપ્ટેમ્બર ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ. કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં પૂરી થઈ હતી અને ચાલું વર્ષે અંદાજીત ગુજરાતમાં ૨૬.૮૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ (૨૫.૪૯ લાખ હે.) કરતા ૧.૩૨ લાખ હેક્ટર જેટલુ વધારે છે. ચાલું વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૧૦૧ લાખ ગાંસડી થવાનો અંદાજ છે (પ્રથમ આગોતરો અંદાજ તા. ૨૧-૦૮-૨૦૨૩), જે ગત વર્ષ જેટલો જ છે. પરંતુ પાકની પરિસ્થિતિ થોડી નબળી હોવાથી ઉત્પાદન અંદાજ કરતા ઓછું થશેચાલું વર્ષે દેશમાં, કપાસનું વાવેતર અંદાજીત ૧૨૩.૮૭ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષના ૧૨૭.૭૩ લાખ હેક્ટર કરતાં ઓછું છે, અને ઉત્પાદન પણ ઓછું અંદાજીત ૩૧૬.૫૭ લાખ ગાંસડી (પ્રથમ આગોતરો અંદાજ તા. ૨૭-૧૦-૨૦૨૩) થશે, જે ગત વર્ષનાં ૩૪૩ લાખ ગાંસડી કરતા ઓછું છે. મુખ્ય રાજ્યોમાં વરસાદની અનિયમિતતા લીધે રહેશે. જે દર્શાવે છે કે ચાલું વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશની જરૂરીયાત લગભગ ૩૨૫ લાખ ગાંસડી કરતાં થોડું ઓછું રહેશે.અમેરિકાના કૃષિ વિભાગના અહેવાલ મુજબ વિશ્વ સ્તરે, કપાસનું વાવેતર ગયા વર્ષ જેટલું જ ૩૧૮ લાખ હેક્ટર નોંધાયું છે. વાવેતરનો વધારો માત્ર યુ.એસ.એ માં જ થયો છે. સને ૨૦૨૩-૨૪ માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ૧૪૩૯ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા લગભગ ૮૧ લાખ ગાંસડી ઓછું (૧૫૨૦ લાખ ગાંસડી) અને વપરાશ થોડો વધુ (૧૪૮૪ લાખ ગાંસડી) થવાનો અંદાજ છે, જેથી ચાલું વર્ષે વિશ્વ બજારમાં ભાવ જળવાઈ રહેશે. સને ૨૦૨૨-૨૩માં ભારતમાંથી કપાસ (રૂ)ની નિકાસમાં ધરખમ ઘટાડો થઈને માત્ર ૧૮.૭૩ લાખ ગાંસડી થઈ હતી, જે ગયા વર્ષે ૭૪ લાખ ગાંસડી હતી. જ્યારે ભારતમાં કપાસની આયાત વર્ષ ૨૦૨૨-૨૩ માં વધીને ૨૬.૫૬ લાખ ગાંસડી થઈ હતી. જે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩.૧૮ લાખ ગાંસડી હતી. આ ઉપરાંત ચાલું વર્ષે એપ્રિલ થી ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં માત્ર ૧૦ લાખ ગાંસડી કપાસની નિકાસ થયેલ અને ૯ લાખ ગાંસડીની આયાત થયેલ છે.ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં ખુબજ ઘટાડો થયો હતો અને આયાતમાં વધારો થયો હતો, જેથી કપાસના ભાવ ઓક્ટોબર ૨૦૨૨માં મણના રૂા. ૧૭૦૦ જેટલા હતા. જે સતત ઘટીને એપ્રિલ ૨૦૨૩ માં મણના રૂ।. ૧૬૦૦ થયા, અને આગળ જુલાઈ ૨૦૨૩ માં મણના રૂ।. ૧૪૦૦ થયા, અને ત્યારબાદ આ સ્તરે રહ્યા. હાલ ઓક્ટોબર, ૨૦૨૩ ગુજરાતની વિવધ બજારોમાં મણના રૂ।. ૧૪૨૦ જેટલા પ્રવર્તમાન છે, જે કાપણી સમયે થોડી વધ-ઘટ સાથે હાલની સપાટીએ મજબૂત રહેવાની સંભાવના છે. ભારત સરકારે ચાલું વર્ષ ૨૦૨૩-૨૪ માટે કપાસનો ટેકનો ભાવ મણના રૂા. ૧૪૦૪ (ક્વિન્ટલ દીઠ રૂા. ૭૦૨૦) નક્કી કર્યા છે, જે ગયા વર્ષે ૧૨૭૬ રૂપિયા હતા.ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના ઐતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કર્યું હતું. જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, કપાસનો ભાવ નવેમ્બર, ૨૦૨૩ થી જાન્યુઆરી, ૨૦૨૪ દરમ્યાન (કાપણી સમયે) મણના રૂ।. ૧૪૦૦ થી ૧૫૪૦ (ક્વિન્ટલ દીઠ રૂ।. ૭૦૦૦-૭૭૦૦) રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત બાબતો અંગેની નોંધ લઈ, કપાસનો સંગ્રહ કરવા, તેમજ જાન્યુઆરી ૨૦૨૪ પછી વેંચાણ કરવા, ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જો કાપણીની મોસમમાં ભાવ મણના રૂ।. ૧૬૦૦ થી ઉપર જાય, તો તે ભાવે તુરંત વેચાણ કરવા નિર્ણય લઈ શકે. હાલમાં કપાસના ભાવ ઊંચકાયા છે અને ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. ચીન અને કેટલાક કપાસના આયાત કરતા દેશોની અર્થ વ્યવસ્થા સુસ્ત હોવાથી, ભારતમાંથી કપાસની નિકાસની તકો ઓછી છે, તેમ જ જકાતમુક્ત કપાસની આયાત વધવા સંભવ છે; તેથી ભારતમાં કપાસના ઉત્પાદનનો ઓછો અંદાજ, એ એક માત્ર પરિબળ દર્શાવે છે, કે ભવિષ્યમાં કપાસના ભાવમાં થોડો વધારો થવાની સંભાવના રહેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.