ગુજરાતમાં સાત દિવસમાં ગરમીનો પારો કેટલો વધશે? જાણો હવામાન અંગેની આગાહી

Gujarat weather update: આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે. ત્યારે આગામી અઠવાડિયામાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી

આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે, ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની હવામાન આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાનની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

આ સાથે ન્યૂનતમ તાપમાન માટેની આગાહી જોઇએ તો, આગલા 2-3 દિવસ દરમિયાન 2-3°C નો ક્રમશઃ વધારો થશે. ત્યારપછીના દિવસોમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. આગામી સાત દિવસ રાજ્યનું હવામાન શુષ્ક-ડ્રાય રહેવાની આગાહી છે. વરસાદની કોઇ સંભાવના નથી.

સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર શરૂ થઈ ગઈ હોવાની માહિતી છે. તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી, વડોદરામાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી,તો પાલનપુર 14 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

હવામાન નિષ્ણાતોની વાત કરીએ તો, અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે આંચકાનો પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. જ્યારે પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહીમાં અગાઉ જે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી હતી તેમાંથી ગુજરાતને છૂટકારો મળવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, 10, 12 માર્ચ દરમિયાન માવઠાની શક્યતાઓ નહિવત થઈ ગઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.