Visa Scam: અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં CID ક્રાઈમના દરોડા. વિદેશ જવાની લ્હાયમાં ઘણાં લોકો પોતાના છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશનો મોહ વધ્યો છે. એનો ફાયદો લાલચુ એજન્ટો લઈ રહ્યાં છે. આવું જ મસમોટું નકલી વિઝા કૌભાંડ ઝડપાયું. ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદઃ તમારા બાળકોને વિદેશ અભ્યાસ માટે મોકલવાનો મોહ પડી શકે છે ભારે. ગુજરાતમાં સતત વધી રહ્યો છે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનો ક્રેઝ. પ્રોપર પદ્ધતિથી ન જઈ શકનારા લેતા હોય છે એજન્ટોનો સહારો. આવા એજન્ટો તમારા લાખો રૂપિયા ચાંઉ કરીને હાથ અધ્ધર કરી દેતા હોય છે. ત્યારે આ અંગે સીઆઈડી ક્રાઈમની ટીમે ગુજરાતમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમોએ ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં દરોડા પાડીને આવા નકલી એજન્ટો અને તેમના સેન્ટરો પર કાર્યવાહી હાથ ધરી છે.
કયા-કયા શહેરોમાં કરાઈ કાર્યવાહી?
સીઆઈડી ક્રાઈમની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના મોટા શહેરોમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરે છે. દરોડા દરમિયાન નકલી દસ્તાવેજો પર વિદેશ મોકલવાના કૌભાંડનો મોટો ખુલાસો થયો છે. CID ક્રાઇમના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં CID ક્રાઇમની અલગ અલગ ટીમોએ દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે.
કઈ રીતે સામે આવ્યું સમગ્ર વિઝા કૌભાડ?
અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. અંબાવડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હોવાનો પણ આ રેડ દરમિયાન ખુલાસો થયો છે. CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. બંને વિધાર્થીઓએ ધોરણ 10 અને 12ની માર્ક શીટ, ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, સચિન ચૌધરી અને મિહિર રામી નામના વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમીયા ઓવરસીઝના માલિકને ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેમાં નોટરીનું સોગંદનામુ અને તમામ દસ્તાવેજો અસલી અપાયા હતા. બંનેના પરિવાર જનોએ ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલને 3-3 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. બીજી તરફ નેપ્ચ્યૂન કન્સલ્ટન્સીમાં તપાસ કરતા ખુલાસો થયો છે. CID ક્રાઈમે માલિક વિશાલ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, અમદાવાદના આંબાવાડીની નેપ્ચ્યૂન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓનો ડોક્યૂમેન્ટ્સ મળ્યા. જેમાંથી 2 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ ઉમિયા ઓવરસીઝે બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.