24 માર્ચે હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. હોળી ધુળેટી પર્વની સાથે ઐતિહાસિક દંતકથાઓ પણ જોડાયેલી છે. અનેક ધાર્મિક પર્વના પ્રસંગોનો ઉલ્લેખ વિવિધ શાસ્ત્રોમાં અને ગ્રંથો સહિત દંતકથાઓમાં ઉલ્લેખ કરાયેલો છે.
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં હોળી-ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં હોળીનું પૌરાણિક મહત્વ રહેલું છે. જેમાં રાધા-કૃષ્ણની કથા, હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા, કૃષ્ણ અને પૂતનાની કથા તથા શિવ-પાર્વતીની કથા જેવી અનેક દંતકથાઓ જોડાયેલી છે. આવી પ્રાચીન કથાઓ અંગે કથાકાર અશ્વિનભાઈ શુક્લે વિગતવાર માહિતી આપી હતી.
પૂતનાએ પોતાની માયાવી શક્તિથી ગોકુળના અનેક બાળકોનો જીવ લીધો હતો
કથાકાર અશ્વિનભાઈ શુક્લે જણાવ્યું હતું કે, એક પૌરાણિક કથા અનુસાર માતા દેવકીનું આઠમું સંતાન ભગવાન કૃષ્ણ હતા. જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી ત્યારે તેણે એક પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં મોકલી અને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકોને મારી નાખવાનો આદેશ આપ્યો. પૂતના રાક્ષસી સુંદર રૂપ ધારણ કરી શકતી હતી. મહિલાઓ સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની માયાજાળમાં સરળતાથી ફસાવી શકતી હતી.
આમ આ રાક્ષસીએ પોતાની માયાવી શક્તિથી ગોકુળના અનેક બાળકોનો જીવ લીધો હતો. જ્યારે આ રાક્ષસીને ખબર પડી કે નંદબાબા અને યશોદાના ઘરે એક બાળકનો જન્મ થયો છે. એટલે આ પૂતના નામની રાક્ષસી નંદના ઘેર આવી અને માતા યશોદાને તેમના બાળકને રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી. પૂતના નંદલાલાને રમાડતા રમાડતા ધીમે ધીમે દુગ્ધાપન કરાવવા લાગી
પરંતુ કૃષ્ણ પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હતા. તે આ રાક્ષસીની સત્યતા જાણી ગયા હતા. તેથી ભગવાન કૃષ્ણએ દુગ્ધાપન કરતા ધીમે ધીમે આ રાક્ષસીના પ્રાણ હરવા લાગ્યા. આમ દુગ્ધાપન કરતા કરતા ભગવાન કૃષ્ણએ પૂતનાનો વધ કર્યો. તેથી એવું મનાય છે કે પૂતના વધથી આ હોળી પર્વ મનાવવાની શરૂઆત થઈ.
તપસ્યાનો ભંગ થવાની ક્રોધાગ્નિમાં શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા
અન્ય એક કથા ભગવાન શિવ-પાર્વતી સાથે પણ જોડાયેલી છે. જ્યારે માતા પાર્વતી દેવાધિદેવ મહાદેવ સાથે લગ્ન કરવા માંગતા હતા ત્યારે ભગવાન શિવ તપસ્યામાં લીન હતા. તેથી તેમની તપસ્યાનો ભંગ કરવા દેવતાઓએ અનેક પ્રયત્નો કર્યા. પરંતુ કોઈ શિવજીની તપસ્યા ભંગ કરી શક્યું નહિ. આખરે પ્રેમના દેવતા કામદેવે આવી શિવજી પર પુષ્પબાણ ચલાવ્યુ.
જેના લીધે શિવજીની તપસ્યાનો ભંગ થયો. તપસ્યાનો ભંગ થવાથી શિવજીને ક્રોધ ચડ્યો અને પોતાનું ત્રીજું નેત્ર ખોલી દીધું. શિવજીની ક્રોધાગ્નિ એ કામદેવને ભસ્મ કરી દીધા. એ પછી શિવજીની નજર મા પાર્વતી પર પડી. પરંતુ કામદેવના પુષ્પબાણ અને માતા પાર્વતીની આરાધનાથી શિવજીએ માતા પાર્વતીને પત્ની રૂપે સ્વીકાર્યા. ત્યારથી પણ આ હોળી પર્વ મનાવવા આવી હોવાનું મનાય છે.
પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ક્રોધની જ્વાળામાં કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ આ ઘટનાથી ખૂબ દુઃખી થઈ રડવા લાગ્યા અને શિવજી પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું. આગામી દિવસ સુધી શિવજીનો ક્રોધ શાંત થતા તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા. તેથી કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર ધુળેટી મનાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.