કેનેડામાં લેન્ડ થઈને ફટાફટ અમીર બનવાના સપના જોતા યુવાનો અને પરિવારો માટે આ છે લાખ રૂપિયાની વાત

  • જેઓ કેનેડા જઈને ઝડપથી ડૉલર કમાઈ લેવાનું સપનું જોઈ રહ્યા છે તેમણે કેનેડામાં દાયકાઓથી રહેતા ગુજરાતી વેપારીનો અનુભવ જાણવો જોઈએ. તેમણે કેનેડા જવા માગતા યુવાનોને પોતાના શરુઆતના દિવસોના અનુભવ વિશે વાત કરીને કઈ રીતે સફળ થયા તે જણાવ્યું છે.
  • અમદાવાદ, વિનિપેગઃ કેનેડામાં ટ્રેડ ડિરેક્ટર ઓવરસિસ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા ઓટાવાની ભૂમિકા ભજવતા હેમંત શાહ યુવાનો શા માટે કેનેડામાં અકળામણ અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં અહીં આવવા માગે છે તેમણે કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશેની માહિતી ન્યૂઝ18 ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં વિસ્તારથી જણાવી છે. હેમંત શાહ કે જેમને યુવાનો અને કેનેડામાં રહેતા ગુજરાતીઓ મોટાભાઈ તરીકે પણ ઓળખે છે. હેમંત શાહ સૌથી પહેલા પોતાના અનુભવ વિશે વાત કરીને જણાવે છે કે, જે લોકો કેનેડા પહોંચ્યા છે તેમાંથી લગભગ મોટાભાગના લોકોએ સ્ટ્રગલ કરવી પડી છે, તેમાં પછી જેઓ 60, 70, 80ના દાયકામાં કેનેડા ગયા હોય કે તાજેતરના વર્ષોમાં ગયા હોય. નવો દેશ, નવું કલ્ચર વચ્ચે પોતાની જાતને સેટ કરવા માટે બધાએ સ્ટ્રગલ કરવું પડે છે. મારે પોતે પણ અનુભવ અને આવડત હોવા છતાં કેનેડામાં સેટ થવા માટે શરુઆતના દિવસોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. બહુ ઓછા લોકો એવા હશે કે જેમને કેનેડામાં સંઘર્ષ કરવાની જરુર પડી નથી અથવા બધું તેમના પક્ષમાં થયું રહ્યું હોય.
  • કેનેડાના વિનિપેગને પોતાની કર્મભૂમિ અને ભારતને પોતાની માતૃભૂમિ માનતા હેમંત શાહ પોતાના સંઘર્ષના દિવસો યાદ કરીને જણાવે છે કે, હું ભારતમાં પરિવારના વેપાર સાથે જોડાયેલો હતો, તે સમયે અહીં ભારતમાં ઈમ્પોર્ટ લાઈસન્સ રાજ હતું, આવા સમયમાં મને કેનેડા જવાની તક મળી અને મેં મારી જાતને સંઘર્ષ માટે તૈયાર કરીને કેનેડા જવાનો નિર્ણય લીધો હતો. તેઓ જ્યારે કેનેડા પહોંચ્યા તે પહેલાથી તેમના ભાઈઓ ત્યાં હતા. આમ છતાં તેમણે ત્યાં પહોંચીને પાર્કિંગ લોટમાં કામ કર્યાનો સ્વીકાર કર્યો છે. આ સમયે મારી પાસે બે મહત્વની વસ્તુઓ હતી જેમાં એક પ્રોફેશનલ સ્કીલ અને બીજું કે અંગ્રેજી પર સારી એવી પક્કડ હતી. જેના કારણે હું મૂળ કેનેડાના લોકો સાથે સારી રીતે સંવાદ કરી શક્યો અને તેમની સમક્ષ મારી વાત અને મુદ્દાને મૂકી શક્યો હતો.
  • કેનેડાના બિઝનેસમેન, કેનેડાના બ્યુરોક્રેટ્સ સાથે વાત કરવા માટે હું સક્ષમ હતો, હું જ્યારે કેનેડા-ઈન્ડિયા ટ્રેડ સાથે સંકળાયો ત્યારે મારો હાથ કેનેડાની સરકારના બ્યુરોક્રેટ્સે પકડ્યો હતો, આજે હું જે કંઈ છું તેની પાછળનું કારણ મારો સંઘર્ષ અને નિશ્ચિત દિશા જ મૂળભૂત કારણ રહ્યા છે. કેનેડાના બ્યુરોક્રેટ્સની સાથે ત્યાના વેપાર જગત સાથે કઈ રીતે ખભાથી ખભા મિલાવીને ચાલવું તે પણ હું શીખ્યો અને સફળતા હાંસલ કરી શક્યો છું. મારી પાસે જે આવડત અને વેપારની કુશળતા હતી તેણે મને સફળતા અપાવી છે. તમે અમેરિકામાં જાવ કે કેનેડામાં કે પછી દુનિયાના કોઈ પણ દેશમાં.. તમારે સંઘર્ષ તો કરવો જ પડે છે.
  • જેઓ ભારત છોડીને 60-70 વર્ષ પહેલા અન્ય દેશમાં ગયા હશે તેમણે પણ સંઘર્ષ જોયો હશે. આ સંઘર્ષ સામે ઝૂકવાના બદલે તેમાંથી રસ્તો કાઢનારા ચોક્કસ પોતાનું એક સ્થાન ઉભું કરી જ શકે છે તેવું હું નિશ્ચિત રીતે માનું છું. હવે આજના સમયમાં કે અગાઉ જેઓ કેનેડા ગયા છે અને પોતાની તકલીફો વર્ણવી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે તે અંગે વાત કરી છે.
  • મોટાભાઈ આજના સમયની વાત કરતા જણાવે છે કે, જે વિદ્યાર્થીઓ હાલમાં કે નજીકના વર્ષોમાં કેનેડા ગયા છે અને તેમની જે વાતો સાંભળવા મળે છે ત્યારે દુઃખ થાય છે. પરંતુ તેમની તકલીફો અને અકળામણનું કારણ જે મેં આગળ જણાવ્યા તે છે. તમે કેનેડા કે કોઈ પણ દેશમાં જવા માગતા હોય તો તમારી આવડત અને કુશળતા વિકસાવવાની જરુર છે. આ સાથે અંગ્રેજીનો ડર કાઢીને ભાષાને શીખવી જોઈએ, કારણ કે તમે અહીં જે ચાલે છે તે નહીં શીખો તો તમારો ઉધ્ધાર કઈ રીતે થઈ શકે!
  • તમે આટલું કરશો તો જેમ દૂધમાં સાકર ભળી જાય છે તેમ કેનેડા સાથે કેનેડાના લોકો સાથે સરળતાથી ભળી શકો છો. અંગ્રેજીમાં કહેવત છે કે When you go to Rome do as romans do (તમે રોમ જાવ તો રોમન લોકો જે કરે છે એ કરો) એટલે કે તમે જ્યારે કેનેડા જાવ ત્યારે તેમના કલ્ચર, ભાષા વગેરે અપનાવવા પડશે, આમ કરવાની સાથે હું એવું જરાય નથી કહેતો કે આપણે ભારતીય સંસ્કૃતિ મૂકી દેવી જોઈએ. પણ જ્યાં ગયા છે ત્યાં સફળ થવા માટે તેમના જેવું તો શીખવું જ પડશે. એમની ડિસિપ્લિન, સ્ટાઈલ રહેણી-કહેણી વગેરે અપનાવવું જ પડશે.
  • અંતમાં મોટાભાઈ જણાવે છે કે, હવે જે વિદ્યાર્થીઓ કેનેડામાં આવીને રઝળપાટ કરવા નથી માગતા તેમણે આ રીતની તૈયારીઓ કરવી જોઈએ. જે યુવાનો ભણવા કે નવું શીખવા જ આવે છે તેમને પણ લગભગ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે તેમનો ધ્યેય અહીં આવીને તાત્કાલિક ડૉલર કમાવાનો નહીં પરંતું ભણીને વ્હાઈટ કૉલર જોબ મેળવવાનો જ રહેતો હોય છે.
  • જે વિદ્યાર્થીઓ ભણવા અને કેનેડામાં સારી નોકરી મેળવવાના ધ્યેય સાથે આવે છે તેઓ કૉલેજમાં થતા કેમ્પસ ઈન્ટર્વ્યુ દ્વારા પણ નોકરી મેળવી શકે છે. એટલે યુનિવર્સિટી અને કમ્યુનિટી કૉલેજના એજ્યુકેશન અને વિદ્યાર્થીઓના વિચારોના જે ભેદ છે તેને સમજવાની જરુર છે. આ સાથે હેમંત શાહ ઉમેરે છે કે જો કમ્યુનિટી કૉલેજમાં પણ તમે ભણવા પર ધ્યાન કેન્દ્રીત કરો છો તો તમે જરુર આગળ વધી શકો છો. પરંતુ જેઓ માત્ર PR મેળવવા કે અહીં આવીને સીધા કમાવાનો વિચાર લઈને આવે છે તેમને મુશ્કેલી ચોક્કસ પડી શકે છે. તેમણે યુવાનોને કે જેઓ કેનેડા આવ્યા છે કે આવવા માગે છે તેમને એક મહત્વનો સવાલ કરીને પોતાની વાતનો અંત લાવ્યા છે, જે સવાલ એ છે કે, હવે જ્યારે તમે અહીં સ્ટૂડન્ટ વિઝા પર આવ્યા હોય અને તમારું ધ્યાન ભણવા સિવાયની બીજી બાબતો પર રહેશે તો તમે કઈ રીતે આગળ વધી શકશો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.