ગુજરાતમાં 7 પૈકી 6 બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, બાયડ-રાધનપુર સીટ પર પણ 21 ઓક્ટોબરે મતદાન

રાજ્યની વધુ બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પાટણની રાધનપુર અને અરવલ્લીની બાયડ બેઠક પર પણ 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. અને 24 ઓક્ટોબરે આ બંને બેઠકોના પરિણામ આવશે. ગઈકાલે 4 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. હવે રાજ્યની 6 બેઠકો પર એકસાથે પેટાચૂંટણી યોજાશે. અને પરિણામો પણ 24 ઓગસ્ટે આવશે.

વાત કરીએ કે, આ બેઠકો પર બંને પક્ષો કોને ટિકિટ આપી શકે છે. તો રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોરનું નામ નક્કી મનાઈ રહ્યું છે. આ જ બેઠક પરથી અલ્પેશ કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સંકેત આપી ચૂક્યા છે કે, જેઓ પોતાની બેઠક અને પક્ષ છોડીને ભાજપમાં આવ્યા છે. તેમને પહેલી તક મળશે. જેથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ મનાઈ રહ્યું છે કે, કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને હરાવવા વાવના વર્તમાન ધારાસભ્ય ગેની ઠાકોરને મેદાને ઉતારે, જો કે તે ઉપરાંત ગોવિંદજી ઠાકોર અને જગદીશજી ઠાકોરના નામની ચર્ચા પણ ચાલી રહી છે.

આ તરફ વાત કરીએ બાયડ બેઠકની તો, બાયડ બેઠક પણ અલ્પેશની જેમ જ ધવલસિંહે ભાજપમાં જતાં ખાલી કરી હતી. જેથી ભાજપ ધવલસિંહને તક આપી શકે છે. જો કે, એક નામ અહીં ભાજપમાંથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત વાત કોંગ્રેસની કરીએ તો, કોંગ્રેસમાંથી બાયડ બેઠક પર માનવેન્દ્રસિંહ સોલંકી અને કનુ પટેલ તેમજ જશુ પટેલના નામ ચર્ચાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.