નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં પૂરના પાણી ઓસર્યા. નવસારીમાં પૂર્ણા નદી 21 ફૂટે પહોંચતા લોકોને મોટી રાહત થઈ. નવસારી શહેર તેમજ નવસારી તાલુકા અને જલાલપોરની આંગણવાડી, શાળા-કોલેજો અને ITI માં રજા જાહેર કરાઈ. જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરીને આદેશ જાહેર કરાયો.
નવસારીમાં પૂર્ણાના રૌદ્ર રૂપથી સર્જાયેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની છે. નવસારી એપીએમસી સામેના પ્રસિદ્ધ મુલ્લાની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો છે. ઘરમાં પૂરના 7 ફૂટ જેટલા પાણી ભરાતા તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. તો લોકોના રૂપિયા તેમજ અભ્યાસના પુસ્તકો પણ પલળી ગયા છે. પૂરના પાણીને કારણે લોકોને પારાવાર નુકસાન થયું છે. ઘરકામ કરીને જીવન વ્યતીત કરતા અનેક પરિવારની પરિસ્થિતિ કફોડી બની છે. જેમતેમ કરીને દીકરીના અભ્યાસ માટે પુસ્તકો લીધા હતા એ પણ પલળી ગયા. ઘરમાં પલંગ કપડા સહિતનો સામાન પલળી ગયો જેના કારણે મોટી નુકસાની વેઠવી પડી છે. ત્યારે સરકાર અને તંત્ર યોગ્ય સર્વે કરી સહાય રૂપ થાય એવી પરિવારોએ પ્રાર્થના કરી.
નવસારીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ બપોરે 2:00 વાગે એનડીઆરએફની ટીમને સૂચના આપતા એનડીઆરએફ નવસારી પહોંચી હતી. નવસારી પહોંચી એનડીઆરએફની ટીમ દ્વારા નવસારીના મીઠીલા નગરી વિસ્તારમાં આવેલ ગોહિલ ફિઝીયોથેરાપીસ કોલેજમાં પરીક્ષા આપતા ફસાયેલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એનડીઆરએફ ટીમ દ્વારા 26 લોકોને રેસ્ક્યુ કરાયા છે. સાથે જ મિથિલા નગરી નજીકની દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં પહેલા માળે ડૂબેલી એક 31 વર્ષીય યુવતી ભૂમિકા શાહને પણ બેહોશ હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. જેને સિવિલ હોસ્પિટલ લઈ જતા તે મૃત જાહેર થઇ હતી.
નવસારીના રમાબેન હોસ્પિટલ પાસે ઠક્કરબાપા વાસ રહેતા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરાઈ હતી. પાલિકાના કર્મચારીઓ હોવા છતાં તેમને ફૂડ પેકેટ સમય પર મળતા નથી. જે તંત્ર દ્વારા પાણી અને એની સુવિધા મળવી જોઈએ એ પણ મળી નથી જેથી કામદારોએ કલેકટરને ઘેરીને રજૂઆતો કરી હતી સાથે જ તેમની પરિસ્થિતિ પણ વર્ણવી હતી.
નવસારીમાં પૂર્ણાના જળસ્તરમાં સતત વધારો થતા નવસારી રેલવે સ્ટેશન નજીકના પાછળના ભાગમાં પણ પાણી ભરાઈ જતા રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ ઉપયોગી થયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો આ ઓવર બ્રિજ ચોમાસામાં પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વમાં જવા માટે લોકોને રાહત આપશે એવી આશા હતી. પરંતુ પૂર્ણાના જળસ્તરમાં વધારો થતાં ઓવર બ્રિજ પણ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ શાંતાદેવીના પાછળના ભાગના જે એપાર્ટમેન્ટ છે, તેમાં પાર્કિંગ પાણીમાં ગરકાવ થયું છે. જેના કારણે લોકો એપાર્ટમેન્ટમાં ફસાઈ ગયા છે. જરૂરિયાતમંદ વ્યક્તિને એનડીઆરએફની મદદથી બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવા માટે ફાયરની ટીમ પણ બોટ સાથે તેના કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.