Indian student drug overdose in USA: અમેરિકામાં કેટલાક ભારતીય સ્ટુડન્ટ ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે અને ડિપ્રેશન અથવા બીજા કોઈ કારણથી ડ્રગ્સનો ઓવરડોઝ લઈ રહ્યા છે. કેટલાક સ્ટુડન્ટને સસ્તામાં ડ્રગ્સ મળી જાય છે તેથી નવો અનુભવ કરવા માટે પણ તેનું સેવન કરે છે. આ વાતને હવે ગંભીરતાથી લેવાઈ રહી છે પરંતુ સ્ટુડન્ટમાં ડ્રગ્સનું ચલણ ઘટતું નથી.
ઘરથી દૂર અલગ પ્રકારના કલ્ચરમાં કેટલાક સ્ટુડન્ટને ડ્રગ્સની લત પણ લાગી રહી છે
યુએસમાં ભારતથી આવેલા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના ઓવરડોઝના કેસ વધ્યા છે.
એક વર્ષમાં ભારતીય સ્ટુડન્ટમાં ડ્રગ ઓવરડોઝના ઓછામાં ઓછા 30 કેસ થયા છે
અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા રેકોર્ડ લેવલે પહોંચી ગઈ છે. યુએસમાં તેઓ હાઈ ક્વોલિટીનું એજ્યુકેશન તો મેળવે છે, પરંતુ ઘરથી દૂર અલગ પ્રકારના કલ્ચરમાં કેટલાક સ્ટુડન્ટને ડ્રગ્સની લત પણ લાગી રહી છે. યુએસમાં ભારતથી આવેલા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના ઓવરડોઝના કેસ વધ્યા છે
તેલંગણાના એક નાનકડા શહેરથી યુએસ આવેલા બે સ્ટુડન્ટે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હતો અને માત્ર ત્રણ મિનિટના અંતરમાં તેઓ બંને મૃત્યુ પામ્યા હતા. આ ઘટના છ મહિના અગાઉની છે પરંતુ આવા કિસ્સામાં વધારો થયો છે. બંને સ્ટુડન્ટ ટેક્સાસની એક યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રી કરવા આવ્યા હતા. આ બંને સ્ટુડન્ટ રૂમમેટ હતા અને તેમણે કોકેઈન લીધું હતું પરંતુ તેમને તેની ટેવ ન હોવાના કારણે ઓવરડોઝ થઈ ગયો હતો. તેમના મિત્રો તેમને હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં તેમના મૃત્યુ થયા હતા.
છેલ્લા એક વર્ષમાં ભારતીય સ્ટુડન્ટમાં ડ્રગ ઓવરડોઝના ઓછામાં ઓછા 30 કેસ થયા છે. તેમાંથી કેટલાક કેસ એટલા સિરિયસ હતા કે તેમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ તમામ કેસ તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા નોંધવામાં આવ્યા છે. આ એસોસિયેશનના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ઈન્ડિયન સ્ટુડન્ટમાં ડ્રગ્સના ઓવરડોઝના કેસમાં મોટો વધારો થયો છે. તેમાંથી કેટલાક તો અમેરિકા આવ્યા તેના અમુક મહિનાની અંદર જ બેહોશ અવસ્થામાં પહોંચી જાય એટલું ડ્રગ્સ લેતા હતા.
ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ જાય ત્યારે ડ્રગ્સ લેવા માંડે તે કોઈ નવી વાત નથી. અગાઉ પણ કેનેડામાં આવા ઘણા કેસ નોંધાયા છે કારણ કે સ્ટુડન્ટને જ્યારે રોજગારી નથી મળતી અને તેઓ ડિપ્રેશનમાં હોય છે ત્યારે કેટલીક વખત ડ્રગ્સ તરફ વળે છે. પરંતુ ઓવરડોઝના જે કેસ વધ્યા છે તેના કારણે બધાને આશ્ચર્ય થયું છે. આમાં જોબ ન મળવી કે પછી ઘરની યાદ આવવી એ કારણ નથી હોતું. કારણ કે જોબનો ઈશ્યૂ તો ભણતર પૂરું કરે ત્યારે આવે છે. આ સ્ટુડન્ટ તો અમેરિકા આવતાની સાથે જ નશીલા પદાર્થોના રવાડે ચઢી જાય છે.
આ બાબતના જાણકાર લોકો કહે છે કે અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ એટલા માટે ડ્રગ્સ લેતા થઈ જાય છે કારણ કે અહીં કેમ્પસ પર બહુ સહેલાઈથી ડ્રગ્સ ઉપલબ્ધ હોય છે. સ્ટુડન્ટ એકબીજા સાથે શેર કરતા હોય છે અને માલ મળી રહે છે. કેટલાક વિદ્યાર્થીઓને લાગે છે કે અમેરિકા આવ્યા છીએ અને અહીં નવું કલ્ચર છે તો આપણે પણ તેનો અનુભવ કરવો જોઈએ. તેથી ઘણા ભારતીય સ્ટુડન્ટ માત્ર અખતરો કરવા માટે ડ્રગ્સનું સેવન કરે છે અને પછી તેના વગર રહી શકતા નથી. એક્સપર્ટ્સ કહે છે કે અમુક સ્ટુડન્ટ પોતાને જે ફ્રીડમ મળ્યું હોય તેને પચાવી શકતા નથી અને લિમિટ બહાર જતા રહે છે. આ ઉપરાંત અમેરિકાના કેટલાક સ્ટેટમાં મારિજુઆના જેવા ડ્રગ્સ લીગલી લઈ શકાય છે અને તે સસ્તામાં પણ મળે છે.
કનેક્ટિકટમાં તાજેતરમાં એક ભારતીય સ્ટુડન્ટ બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેણે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હતો અને તેને તાત્કાલિક સારવાર આપીને બચાવવામાં આવ્યો હતો. જો તેને ટ્રીટમેન્ટ આપવામાં મોડું થયું હોત તો કદાચ બચી શક્યો ન હોત. હાલમાં આ સ્ટુડન્ટ તેના સગાવહાલા સાથે રહે છે અને તબિયતમાં સુધારો થયો છે. તેને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે.
હૈદરાબાદના એક 27 વર્ષીય સ્ટુડન્ટે પણ આવી જ વાત શેર કરી હતી. આ સ્ટુડન્ટ ટેક્સાસમાં રહે છે અને તેનું કહેવું છે કે સપ્ટેમ્બર 2023માં તેનો એક કઝિન હ્યુસ્ટન આવ્યો હતો. અમેરિકામાં તેને આઈટીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવી હતી. આ છોકરો પોતાના સગા પાસેથી, મિત્રો પાસેથી અને જે કોઈ ઓળખતા હોય તેની પાસેથી ડોલર ઉછીના લેતો અને એવું કહેતો કે કોલેજના એસાઈનમેન્ટનું કામ છે, કે પછી સ્ટેશનરી ખરીદવી છે. ત્યાર પછી તેના રૂમમેટ્સે બધાને કહ્યું કે નવો નવો ભારતથી આવેલો છોકરો ડ્રગ્સના રવાડે ચઢી ગયો છે. તેણે મકાનનું ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું, કોલેજમાં ક્લાસિસ એટેન્ડ કરવાનું બંધ કરી દીધું અને જેટલા નાણાં ઉછીના મળ્યા તેનાથી તે ડ્રગ્સ ખરીદવા લાગ્યો. જોકે હવે તેની હાલત સારી છે.
હૈદરાબાદના સ્ટુડન્ટે કહ્યું કે તેણે જ્યારે તેના કઝિન સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે તેને 15 ડોલરથી 20 ડોલરમાં ડ્રગ્સ મળી જતું હતું. ત્યાર પછી સ્ટુડન્ટ માટે એક અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવી અને વેબિનાર પણ યોજાયા. કેટલાકને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવ્યા હતા.
અમેરિકાની યુનિવર્સિટીઓ પણ જાણે છે કે ડ્રગ્સનો ઈશ્યૂ ગંભીર બનતો જાય છે. ખાસ કરીને ભારતીય સ્ટુડન્ટમાં પણ ડ્રગ એબ્યુઝના કેસ વધ્યા છે. યુનિવર્સિટી ઓફ મેમ્ફિસે કહ્યું છે કે આવા કેસ ધ્યાનમાં આવશે તો શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કાયદાનો ભંગ કરે તો તેની સામે એક્શન લેવાય છે અને પછી સ્ટુડન્ટને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે.
એટલાન્ટામાં એક ડિ-એડિક્શન થેરાપિસ્ટ છે, જેઓ વ્યસન મુક્તિનું કામ કરે છે અને આ ફિલ્ડમાં એક દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ કહે છે કે મારી પાસે દર મહિને 18થી 22 વર્ષના ઓછામાં ઓછા 10 સ્ટુડન્ટ આવે છે જેમને ડ્રગ્સ અથવા શરાબની લત પડી ગઈ હોય છે. તેઓ થેરેપીની મદદથી આ વ્યસનમાંથી મુક્ત થવા માગતા હોય છે. ઘણા સ્ટુડન્ટ ડિપ્રેશનમાં હોય છે, તેમની પાસે જોબ નથી હોતી અને તેમના પર લોનની ચૂકવણી કરવાનું પણ પ્રેશર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.