ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર નેતાએ ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે જો કમલા હારિસને સત્તા મળી તો તે પોતાના કાર્યકાળના પહેલા 100 દિવસમાં જ આ મુદ્દા પર મોટું પગલું લેશે
અમેરિકામાં રહેતાં 1.1 કરોડ જેટલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને 2025માં જો ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવશે તો શું થશે તેની ચિંતા સતાવી રહી છે, ત્યારે ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વોરેને કમલા હારિસ પ્રેસિડેન્ટ બન્યા તો શું થઈ શકે છે તેને લઈને એક મોટી આગાહી કરી છે. એલિઝાબેથ વોરેને હાલમાં જ એવું નિવેદન આપ્યું હતું કે જો કમલા હારિસને સત્તા મળી તો તેઓ પોતાના કાર્યકાળના પહેલા 100 દિવસમાં જ ઈલીગલ ઈમિગ્રન્ટ્સ માટે લડીને તેમને અમેરિકાની સિટીઝનશિપ આપવાનો રસ્તો સાફ કરી શકે છે.
કમલા હારિસ અને જો બાઈડનના બોર્ડર મેનેજમેન્ટથી વોટર્સ તેમના પર નારાજ છે તે મુદ્દા પર થયેલી ચર્ચામાં સેનેટર એલિઝાબેથ વોરેને એવી દલીલ કરી હતી કે આ સ્થિતિને પહોંચી વળવાની જવાબદારી દેશની સંસદ એટલે કે કોંગ્રેસની છે. CNN પર રવિવારે પ્રસારિત થયેલા એક કાર્યક્રમમાં એલિઝાબેથ વોરેને કહ્યું હતું કે કમલા હારિસ આ સ્થિતિથી સારી રીતે વાકેફ છે અને આ પ્રોબ્લેમ કોંગ્રેસે સોલ્વ કરવાની છે.
જોકે, તેનું સમાધાન અમેરિકામાં રહેતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ આપી દેવાનું છે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પોતાની વાતને આગળ વધારતા વોરેને એવું પણ કહ્યું હતું કે અમેરિકામાં ઈમિગ્રેશનના નિયમોમાં ધરમૂળ સુધારા લાવવાની જરૂર છે અને કમલા હારિસ કોંગ્રેસની સાાથે મળીને તેના પર ચોક્કસ કામ કરશે.
મેસાચ્યુસેટ્સના ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વોરેને ડોનાલ્ડ ટ્રમ્પ પર બોર્ડર સિક્યોરિટી એગ્રિમેન્ટ પર બાઈડન સરકારને સાથ ના આપવાનો પણ આરોપ લગાવતા તેમની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ફાયદો લેવા માટે ડેમોક્રેટ્સને આ કાયદો લાગુ કરવામાં સહકાર નહોતો આપ્યો. વોરેને ટ્રમ્પને ટાર્ગેટ કરતા એવું પણ કહ્યું હતું કે અમેરિકાના લોકો બોર્ડર સ્ટેટમાં રહી ચૂકેલા એક પ્રોસેક્યુટર પર વિશ્વાસ કરશે કે પછી ચૂંટણીમાં લાભ લેવા માટે આ બાબતે ખોટો હંગામો ઉભો કરનારા વ્યક્તિ પર?
ઉલ્લેખનીય છે કે, બાઈડન સરકારે 2024માં મેક્સિકો બોર્ડર પર નિયંત્રણો લાગુ કરવા એક કાયદો બનાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ રિપબ્લિકન્સે તેમાં સહકાર ના આપતા આ બિલ કોંગ્રેસમાં પાસ નહોતું થઈ શક્યું. ત્યારબાદ જુન 2024માં બાઈડને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને અમેરિકા આવતા લોકોને અસાયલમ આપવાના સખ્ત ધારાધોરણ લાગુ કર્યા હતા. જોકે, બાઈડન સરકારે બોર્ડર પર સખ્તી વધારી તે પહેલા તેમના કાર્યકાળમાં ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને આઠ મિલિયન જેટલા ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં પ્રવેશી ચૂક્યા હતા.
ઈલેક્શનની રેસમાંથી ખસતા પહેલા જ બાઈડન અમેરિકન સિટીઝનને પરણ્યા હોય અને યુએસમાં દસ વર્ષથી રહેતા હોય તેવા પાંચ લાખ જેટલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને લીગલ થવાની તક આપી ચૂક્યા છે. આ ઉપરાંત ડેમોક્રેટ્સ વોટર્સને એવો મેસેજ પાસ કરવાની કોશીશ પણ કરી રહ્યા છે કે હવે અમેરિકામાં ઈલીગલી આવનારા લોકો પર સખ્ત કાર્યવાહી થશે, પરંતુ જે લોકો વર્ષોથી ઈલીગલી રહે છે તેમને કોઈ રાહત મળી શકે છે.
તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા દોઢ વર્ષથી માત્રને માત્ર ઈલીગલ ઈમિગ્રન્ટ્સનો મુદ્દો પકડીને બેઠા છે, ઈલીગલ ઈમિગ્રન્ટ્સને ક્રિમિનલ્સ અને પાગલ કહેવાની સાથે તેમણે તો આવા લોકોને કારણે અમેરિકાના લોહીમાં ઝેર ભળે છે ત્યાં સુધી કહી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વાઈસ પ્રેસિડેન્ટ કેન્ડિડેટ બંનેય માસ ડિપોર્ટેશનની વાત કરી રહ્યા છે, અને પોતાના સત્તા પર આવતા જ મેક્સિકો બોર્ડર પરથી થતું ઈલીગલ ક્રોસિંગ બંધ થઈ જશે તેવો તેમનો દાવો છે.
શનિવારે ટ્રમ્પના નોમિની વાઈસ પ્રેસિડેન્ટ કેન્ડિડેટ જેડી વેન્સે મિનેસોટામાં પ્રચાર કરતા એવો દાવો કર્યો હતો કે કમલા હારિસ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ આપવા માગે છે. વેન્સે એક ઈલેક્શન રેલીને સંબોધતા કહ્યું હતું કે કમલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને વોટિંગ રાઈટ આપીને દેશનો કંટ્રોલ એવા લોકોને આપવા માગે છે કે જેઓ ખુદ અમેરિકામાં ઈલીગલી રહી રહ્યા છે. વેન્સે ઈલીગલ ઈમિગ્રન્ટ્સને વોર્નિંગ આપતા એવું પણ કહ્યું હતું કે તમારી બેગ્સ ભરવા માંડો કારણકે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા આવી રહ્યા છે.
અમેરિકાની ચૂંટણીમાં મુકાબલો જ્યારે જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હતો ત્યારે ટ્રમ્પની સ્થિતિ ખૂબ જ મજબૂત જણાઈ રહી હતી, પરંતુ બાઈડનની એક્ઝિટ અને કમલા હારિસની એન્ટ્રી સાથે જ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ કમલા હારિસ ડોનેશન એકત્ર કરવામાં પણ હવે ટ્રમ્પને બરાબરની ટક્કર આપતા દેખાઈ રહ્યા છે અને તેમનો પોપ્યુલારિટી ઈન્ડેક્સ પણ સુધરી રહ્યો છે.
ઓગસ્ટ મહિનામાં કમલા હારિસના નામ પર ડેમોક્રેટિક પાર્ટી સત્તાવાર મ્હોર મારશે અને ઓગસ્ટમાં જ કમલા પોતાના વાઈસ પ્રેસિડેન્ટ કેન્ડિડેટના નામની જાહેરાત કરવાના છે, તે વખતે પણ અમેરિકાની ચૂંટણીમાં એક નવો જ વળાંક આવી શકે છે કારણકે ત્યારે મીડિયામાં માત્ર ડેમોક્રેટ્સની જ ચર્ચા હશે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ વાઈસ પ્રેસિડેન્ટ કેન્ડિડેટ તરીકે જેડી વેન્સની પસંદગી કરીને ભરાયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ટ્રમ્પ જેવા જ આક્રમક દેખાવવા પ્રયાસ કરી રહેલા જેડી વેન્સને ભૂતકાળમાં તેમણે પોતે જ મહિલાઓના મુદ્દા પર કરેલો વાણીવિલાસ નડી રહ્યો છે, તો બીજી તરફ કમલા હારિસ 78 વર્ષના ટ્રમ્પની સરખામણીએ મહિલાઓ અને યુવા વોટર્સને આકર્ષી રહ્યા છે જે રિપબ્લિકન્સ માટે ચિંતાનો મુદ્દો બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.