ગયા અઠવાડિયે બજેટ સંસદમાં રજૂ થયું તે પછી સોના અને ચાંદીના ભાવ જબરદસ્ત ગગડ્યા કારણ કે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે આ મંદીના વાદળો જાણે હટી ગયા છે અને સોનું તથા ચાંદી ફરીથી તેજીમાં જોવા મળી રહ્યા છે. એટલે કે જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
MCX પર ભાવ
વાયદા બજાર (MCX)માં સોનું આજે સવારે 321 રૂપિયાની તેજી સાથે 68,507 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. શુક્રવારે 68,186 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી પણ 588 રૂપિયાની તેજી સાથે 81,959 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી. ગત કારોબારી સત્રમાં ચાંદી 81,371 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે 663 રૂપિયાના વધારા સાથે 68,794 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. શુક્રવારે 68,131 રૂપિયા પર સોનું ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 607 રૂપિયાની તેજી સાથે 63,015 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો. 929 રૂપિયાની તેજી સાથે આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 82,200 રૂપિયા પર પહોંચ્યો. ચાંદી શુક્રવારે 81,271 પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કેમ ચડ્યું સોનું?
ગત શુક્રવારે વિદેશી બજારમાં સોનું 1% જેટલું ઉછળ્યું હતું. વાત જાણે એમ છે કે મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ સાથે જ આ વર્ષે બે કાપ આવવાની શક્યતા ઊભી થઈ રહી છે. જેનાથી બુલિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 1% કૂદીને 2,388 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો. જ્યારે ગોલ્ડ ફ્યૂચર્સ 1.2% ચડીને 2,381 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.