Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સમાં દેશનું સૌથી મોટું 40 હજાર સ્ક્વેરફૂટનું કસ્ટમ હાઉસ બનાવાયું છે. 30 જુલાઈએ સરકારે કસ્ટમ હાઉસ માટેની તમામ પરવાનગી આપી દીધી છે, જે ઉદઘાટનના દોઢ વર્ષે મળી છે. હવે બુર્સમાંથી જ વેપારીઓ હીરાનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટ(Surat Diamond Bourse) કરી શકશે. સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ થવાને કારણે વેપારીઓનો સમય તેમજ આંગડિયા ખર્ચની બચત થશે, જેથી આર્થિક લાભ પણ થશે. અંદાજે એક પાર્સલ દીઠ વેપારીઓને 10થી 15 ટકા સુધીનો ખર્ચ બચશે.
95 ટકા હીરાનું એક્સપોર્ટ મુંબઈથી થતું હતું
ડાયમંડ ઈન્ડસ્ટ્રી આંતરાષ્ટ્રીય બજાર સાથે સંકળાયેલી હોવાથી કસ્ટમ ક્લિયરન્સ હાઉસ એ ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને સુરત ડાયમંડ બુર્સ માટે ખુબજ મહત્વનું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લિયરન્સ હાઉસ ઝડપથી શરૂ થાય તે માટે નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ સરકારે આ પરવાનગી આપી દીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં 10માંથી 9 હીરાનું સુરતમાં કટ એન્ડ પોલિશ થાય છે, જેમાંથી 95 ટકા હીરાનું એક્સપોર્ટ મુંબઈથી થતું હતું. સુરત ડાયમંડ બુર્સના જણાવ્યા પ્રમાણે, અત્યારે 250થી વધારે ઓફિસો શરૂ થઈ ગઈ છે, જેથી તમામ હીરા વેપારીઓને કસ્ટમ હાઉસનો લાભ મળશે.
સુરતથી અમેરિકા, દુબઈ, યુરોપના દેશો સહિત વિશ્વભરમાં એક્સપોર્ટ
લાલજી પટેલએ જણાવ્યું હતું કે, 7 જુલાઈએ બુર્સમાં 250થી વધુ ઓફિસો શરૂ થઈ ગઈ હતી. જો કે, કસ્ટમ હાઉસના અભાવે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ શરૂ થઈ શક્યું ન હતું. હવે કસ્ટમ હાઉસ શરૂ કરવા માટેની તમામ પરવાની મળી ગઈ છે. સુરતથી અમેરિકા, દુબઈ, યુરોપના દેશો સહિત વિશ્વભરમાં હીરાનું એક્સપોર્ટ કરવામાં આવે છે.
આર્થિક લાભ વિદેશોનું પેમેન્ટ 3થી 5 દિવસ વહેલું મળશે
મુંબઈથી હીરાનું એક્સપોર્ટ કરાતું ત્યારે જે-તે દેશમાં એક્સપોર્ટ થતું ત્યાં પહોંચતાં 3થી 5 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે પાર્સલ તે જ દિવસે રવાના થઈ જવાને કારણે વેપારીઓને પેમેન્ટ વહેલું મળશે એટલે તેમને આર્થિક રીતે પણ ફાયદો થશે.સુરતથી હીરા એક્સપોર્ટ કરવા મુંબઈ આંગડિયા દ્વારા મોકલવામાં આવતા હતા. વેપારીઓને આંગડિયાનો ખર્ચ ખુબ જ વધારે થતો હતો, જેમાં હીરાના મૂલ્ય પર આંગડિયા પેઢીઓ ચાર્જ લેતી હતી. જેમાં 100 રૂપિયાનો માલ હોય તો 10થી 20 પૈસા સુધી આંગડિયા ચાર્જ લેવામાં આવતો હતો. હીરાની કિંમત વધારે હોવાથી વેપારીઓએ આંગડિયા ચાર્જ વધારે ચૂકવવો પડતો હતો, જે હવે સુરત ડાયમંડ બુર્સમાંથી એક્સપોર્ટ કરવાને કારણે આંગડિયા ચાર્જમાંથી વેપારીઓને મુક્તિ મળી જશે.
સમયની બચત 2 દિવસની જગ્યાએ તે જ દિવસે પાર્સલ એક્સપોર્ટ
સુરતમાં 95 ટકા કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ મુંબઈથી થતું હતું. સુરતથી તૈયાર હીરા આંગડિયામાં મોકલ્યા બાદ 2 દિવસ પછી કાર્ગો પ્લેન મારફતે વિદેશોમાં એક્સપોર્ટ થતું હતું. હવે સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ થવાથી પાર્સલો તે જ દિવસે સુરતથી રવાના થઈને મુંબઈથી તે જ દિવસે એક્સપોર્ટ માટે નિકળી શકશે. આમ, 2 દિવસની જગ્યાએ તે જ દિવસે પાર્સલ એક્સપોર્ટ થઈ જશે. આ ઉપરાંત શુક્રવારે સુરતથી હીરાનાં પાર્સલ મોકલવામાં આવતા હતાં ત્યારે શનિવારે-રવિવારે રજા હોવાથી પાર્સલો સોમવારે રવાના થતાં હતાં, પરંતુ હવે આ સમસ્યાનું પણ સમાધાન થશે. કતારગામ ખાતેથી અત્યાર સુધી હીરાનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટ થતું હતું. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતે આ સેન્ટરમાં પાર્સલ એક્સપોર્ટ માટે આપ્યા પછી બીજા દિવસે એક્સપોર્ટ માટે રવાના થતું હતું. પરંતુ સુરત ડાયમંડ બુર્સમાંથી પાર્સલ તે જ દિવસે રવાના થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમયની બચત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.