Ahmedabad Highway Accident: છાપીથી અમદાવાદ જતા હાઇવે ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણાના સુથાર પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. સુથાર પરિવાર રાજસ્થાનના રણુજા ખાતેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેનીવાડાના અધુરીયા બ્રિજ નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્વીફ્ટ કાર ધડાકાભેર ડીવાઈડર(Ahmedabad Highway Accident) સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પતિ પત્ની સહીત કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
કાર અચાનક ડિવાઈડરમાં ઘુસી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા દર્શન કરવા માટે ગયો હતો. જે બાદ રણુજા ખાતે રામદેવપીરના દર્શન કરી પરત રહેલા સુથાર પરિવારને અકસ્માત નડ્યો હતો. રણુજાથી પરત ફરતી વખતે બનાસકાંઠાના વડગામના તેનીવાડા પાસે સુથાર પરિવારની કાર અચાનક ડિવાઈડરમાં ઘુસી ગઈ હતી.
અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, તો રાહદારી દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. તો કારમાં સવાર સુથાર પરિવારના પાંચ સભ્યોમાંથી ત્રણના લોકોના કમકમાટીભર્યા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
હાલ છાપી પોલીસ દ્વારા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ત્રણ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મહેસાણાનો સુથાર પરિવાર રણુંજા દર્શન કરી પરત ઘરે પહોંચે તે પહેલાં જ રસ્તામાં ત્રણ લોકો મોતને ભેટતા હાલ તો પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ વિનુભાઈ ચિમનલાલ સુથાર, ગીતાબેન વિનુભાઈ સુથાર અને સંજયભાઈ ચંદુભાઈ સુથાર છે. તેઓ મહેસાણાના રહેવાસી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.