પાકિસ્તાનમાં એક સ્પેશિયલ અદાલતે પૂર્વ સૈનિક સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રદ્રોહના કેસમાં નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. અદાલત આગામી 28 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે 76 વર્ષિય પૂર્વ સેના પ્રમુખ વિરૂદ્ધ વર્ષ 2013માં આ કેસ નોંધ્યો હતો. મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિક્ત બંધારણિય ઈમરજંસી લાગુ કરવાનો આરોપ છે.
જોકે મુશર્રફે તમામ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. વર્ષ 2016માં મુશર્રફ દુબઈ ભાગી ગયા બાદ આ ચર્ચિત હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી ઠપ્પ થઈ ગઈએ હતી. મુશર્રફે તબિબિ સારવારનો હવાલો આપીને માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દુબઈમાં ચાલ્યા ગયા હતાં. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા બાદ તેઓ વિદેશ જવામાં સફળ રહ્યાં હતાં. જોકે થોડા જ મહિના બાદ પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે તેમણે ભાગેડૂ જાહેર કરી દીધા હતાં.
જસ્ટિસ વકાર અહમદ શેઠની અધ્યક્ષતા હેઠળની ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે આ મામલે સુનાવણી કરી હતી. અદાલતે નિર્ણય સુરક્ષીત રાખ્યો તે દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધી અંતિમ દલીલો રજુ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાની સમાચારપત્ર ડૉને પોતાના હેવાલમાં જણાવ્યું છે કે, જો મુશર્રફને આ મામલે દોષિત ઠેરવવામાં આવશે તો તેમને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ એવા પહેલા સૈન્ય પ્રમુખ હશે જેમના પર 31 માર્ચ 2014માં દેશદ્રોહના આરોપો નક્કી કરવામાં આવ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.