ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને બનવું પડતું હોય છે પરંતુ હવે આ દિશામાં સરકારે સક્રિયતાથી વિચારણા કરી છે અને બધું સમુ સુથરું પાર પડ્યું તો ગુજરાતમા આગામી દિવસોમાં કાળા જાદુ વિરોધી કાયદો આવી શકે છે.
વિધાનસભાના સત્રમાં બિલ રજૂ કરાશે-ગૃહ વિભાગે હાઈકોર્ટને જાણ કરી
ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃતિઓ, કાળો જાદુ અને અઘોરી વિધિઓને રોકવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે કાળો જાદુ અને અઘોરી પ્રથા જેવી અમાનવીય પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે કાયદો બનાવવા માટેનો ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં લાવવામાં આવશે.
હાઈકોર્ટે શું કર્યો હતો આદેશ
ગયા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર HCએ સરકારનો જવાબ માગ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજમાં કૂપ્રથાઓને નાબૂદ કરવા માટે મહારાષ્ટ્રના બ્લેક મેજિક એક્ટ, 2013 જેવો કાયદો બનાવવાની હાકલ કરી હતી જે પછી હાઈકોર્ટે સરકારનો જવાબ માગ્યો હતો અને હવે સરકારે કાયદાને લઈને હાઈકોર્ટને જાણ કરી દીધી છે.
અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ
અરજદારે એવા કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો હતો કે જેમાં દેવી-દેવતા અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો બાળકો અને મહિલાઓના બલિદાન સાથે સંકળાયેલી તાંત્રિક વિધિઓ કરે છે. એક ગુપ્ત વિધિ દરમિયાન તેના પિતા અને પરિવારના સભ્યો દ્વારા સગીર છોકરીની બલી અને શિશુઓને લોખંડના સળિયાથી ડામ આપવા જેવી ધૃણાસ્પદ ઘટનાઓ પણ બને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.