ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી વરસાદી ઝાપટા અને 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આહ્વા, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ગુજરાતના મોટાભાગના વરસાદમાં મેઘરાજા મહેરબાન થશે. 24 ઓગસ્ટ પછી ખેતી પાકમાં રોગ આવી શકે છે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી, સુરત અને વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં રસ્તા પાણી-પાણી થયા હતા. હવે વાત કરીએ સુરતની તો સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. કાપોદ્રા, વરાછા, અમરોલી અને સરથાણા સહિતના વિસ્તારમં વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. લાંબા સમય પછી મેઘરાજાનું આગમન થયું.
તો ત્રણ દિવસના વિરામ પછી વલસાડના વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણ ઠંડુ થયું. નર્મદાના સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં પાવરહાઉસ ધમધમ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડાતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઘેરાયેલા વાદળો વચ્ચે ડેમનો સુંદર નજરો જોવા મળ્યો.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન
તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયું. બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો. એક કલાકમાં એક ઈંચ કરતાં વધારે વરસાદથી બાયડ-ખેડા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. જેથી વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. સાઠંબા, ગાબટ, ચોઈલા, વાત્રક અને ડેમાઈ સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા. લાંબા સમય પછી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.