અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં સતત તેજી આવી.. 5 વર્ષમાં પ્રોપર્ટી માર્કેટના ભાવમાં 45 ટકાનો વધારો..

પશ્વિમમાં વૈષ્ણોદેવી સુધી પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું 

પ્રોપર્ટી માર્કેટમાં વધારો હવે સામાન્ય લોકો માટે અઘરો બનતો જાય છે. બેન્કના વ્યાજદર સતત વધી રહ્યાં છે. આમ છતાં લોકો મકાનોની ખરીદી વધારી રહયા છે. જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન ઘરની કિંમતોમાં સરેરાશ 10 ટકાનો વધારો થયો છે તો છેલ્લા 5 વર્ષમાં હાઉસિંગની કિંમતોમાં સરેરાશ 45 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોવિડ રોગચાળા પછી રહેણાંક મિલકતોની માંગમાં વધારો થયો છે. શહેરના થલતેજ, સોલા, સાયન્સ સીટી, પ્રહલાદનગર, સેટેલાઈટ, આશ્રમ રોડ પરની પ્રોપર્ટી હાલમાં કરોડોમાં વેંચાઈ રહી છે. અમદાવાદ પૂર્વમાં પણ સરેરાશ પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. આજે નિકોલ નરોડાથી લઈને છેક વટવા સુધીના એસપી રીંગ રોડનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. પશ્વિમમાં વૈષ્ણોદેવી સુધી પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું છે.

આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં સરેરાશ હાઉસિંગ કિંમત રૂ. 4,150 પ્રતિ ચોરસ ફૂટ હતી, જે 2019ના જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં રૂ. 2,867 પ્રતિ ચોરસ ફૂટ હતી. જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન ઘરની કિંમતોમાં સરેરાશ વધારો વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ 10 ટકા હતો. ગુજરાતમાં અમદાવાદનો સતત વિકાસ થઈ રહ્યો છે. 2036ના ઓલમ્પિકની અમદાવાદ તૈયારી કરી રહ્યું છે. સરકાર સતત અમદાવાદના વિકાસ પર ફોકસ કરી રહી છે. આગામી એક દાયકા સુધી અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત વધારો થવાનો છે. અમદાવાદ એ “આર્થિક પ્રવૃત્તિનું હબ ગણાય છે. ગુજરાતનું ફોકસ એ અમદાવાદ પર જ રહે છે.

અમદાવાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંના વેપારીઓ અને રોકાણકારોને આકર્ષે છે. તેનું સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈ સહિત ભારતના અન્ય મુખ્ય નાણાકીય કેન્દ્રો સાથે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.” શહેરનું મજબૂત આર્થિક વાતાવરણ અને ઉચ્ચ સુરક્ષા ધોરણો કોવિડ પછીના ભારતમાં મુખ્ય હાઉસિંગ માર્કેટ તરીકે તેની અપીલને નોંધપાત્ર રીતે વધારે છે. જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન અમદાવાદમાં હાઉસિંગનું વેચાણ 78 ટકા વધીને 12,915 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 7,256 યુનિટ હતું.

આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં અમદાવાદમાં નવો સપ્લાય 64 ટકા ઘટીને 3,116 યુનિટ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં 8,655 યુનિટ હતો. કોવિડ રોગચાળા પછી અમદાવાદનું બજાર નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે. ગયા વર્ષે હાઉસિંગનું વેચાણ 41,327 યુનિટ હતું, જ્યારે 2022માં તે 27,314 યુનિટ્સ, 2021માં 16,874 યુનિટ્સ, 2020માં 12,156 યુનિટ્સ અને 2019માં 25,734 યુનિટ હતું. એ જ રીતે, નવો પુરવઠો 2022માં વધીને 55,877 યુનિટ થયો હતો જે ગયા વર્ષે 32,663 યુનિટ હતો. 2021માં લૉન્ચ 41,357 યુનિટ હતું, જ્યારે 2020માં માત્ર 7,687 યુનિટ્સ અને 2019માં 15,648 યુનિટ હતા.

ઑક્ટોબર-ડિસેમ્બર 2023માં હાઉસિંગની સરેરાશ કિંમત રૂ. 4,000 પ્રતિ ચોરસ ફૂટ હતી, જે 2022 કેલેન્ડર વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,700 પ્રતિ ચોરસ ફૂટ હતી. ઑક્ટોબર-ડિસેમ્બર 2021ના સમયગાળામાં, ઘરની સરેરાશ કિંમત 3,452 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 3,213 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2019માં ઘરની સરેરાશ કિંમત 3,107 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી.

“કોવિડ પછીના સમયગાળાએ અમદાવાદના ટિયર-II રિયલ એસ્ટેટ માર્કેટ માટે વૃદ્ધિના મજબૂત તબક્કાની શરૂઆત કરી છે, પ્રીમિયમ પ્રોપર્ટી માટે ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ અને બજારની પારદર્શિતામાં વધારો થયો છે. અમદાવાદમાં રહેણાંક રિયલ એસ્ટેટ માર્કેટ માટેનું આઉટલૂક અત્યંત હકારાત્મક છે. અમદાવાદના પ્રોપર્ટી માર્કેટનો વિકાસ 2007માં શરૂ કરાયેલ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ના આયોજન અને વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદમાં જબરદસ્ત રોકાણ આવવાનું છે જે સીધું જ પ્રોપર્ટી માર્કેટને અસર કરશે. ગુજરાતમાં અમદાવાદ એરથી લઈને રેલવે કનેક્ટીવીટી સાથે સીધું જોડાયેલું હોવાથી ગુજરાતના તમામ શહેરોમાં સૌથી વધારે ફોકસ હંમેશાં અમદાવાદ રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.