ગૌચરની જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અરજી
પહેલા ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી, એ ચાલે નહીં: HC
કચ્છના બે ગામમાં ગૌચરની સામે દૂર જમીન ફાળવાતા HCમાં અરજી
ગૌચરની જમીન અંગે હાઈકોર્ટે કાઢી ગુજરાત સરકારની ઝાટકણી
ગૌચરની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે! ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલી બાબતોનું ખાસ ધ્યાન. સરકાર પણ નિયમોનું પાલન નહીં કરે તો નહીં ચલાવી લેવાય. કંઈક આ પ્રકારનું કડક વલણ ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું છે. કચ્છના બે ગામમાં ગૌચરની જમીન સરકારે લઈને તેની સામે ખુબ દૂરના સ્થળે જમીન ફાળવી હતી. જેને પગલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
ગૌચર લેતાં પહેલાં બીજે જમીન ફાળવવી પડે એવું ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે એવો પણ આદેશ કર્યો છેકે, પહેલાં તમે ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી, એ ચાલે નહીં. કચ્છના બે ગામમાં ગૌચરની સામે દૂર જમીન ફાળવાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
કલેક્ટરને સોગંદનામું કરી જવાબ આપવા કોર્ટનો આદેશઃ
ગૌચરની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવાતાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટસની ખંડપીઠે આ મામલે કચ્છ કલેકટરને પર્સનલી સોગંદનામું કરી જવાબ આપવા જણાવ્યું હતું અને કેસની વધુ સુનાવણી તા.૩૦મી ઓગસ્ટના રોજ રાખી હતી.હાઈકોર્ટે કાઢી ગુજરાત સરકારની ઝાટકણીઃ
હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓને ગંભીર ટકોર કરી હતી કે, કાયદા મુજબ જ્યારે ગૌચર જમીન લેવાની થાય તે પહેલાં ગામને તેટલી જ અન્ય ગૌચર જમીન ફાળવવી પડે. સરકાર પહેલા ગૌચર જમીન લઈ લે છે, બાદમાં કોર્ટમાં આવીને કહે છે કે તેમની પાસે ગામને આપવા અન્ય કોઈ ગૌચર જમીન નથી. વિકાસના નામ ઉપર સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહીં.
કચ્છ જિલ્લાના માંડવીની કઠડા ગ્રામ પંચાયત, ગૌ સેવા ટ્રસ્ટ અને માંડવી ગામના લોકો તરફથી કરાયેલી જાહેરહિતની રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, સરકાર દ્વારા માંડવી અને કઠડા ગામની ગૌચરની જમીન અગાઉ લેવાયા બાદ તેઓને જે નવી જમીન ફાળવાઇ છે, તે ઘણા દૂરના અંતરે છે. માંડવી ગામને અપાયેલી ગૌચરની જમીન ૩૫ કિલોમીટર દૂર છે અને તે વન વે રોડ પર ફાળવાઈ છે. તો, કઠડા ગામને ફાળવાયેલી નવી ગૌચર જમીન પણ બહુ દૂરના અંતરે છે. જો કે, સરકારપક્ષે જણાવ્યું કે, કઠડા ગામ માટે અપાયેલી નવી જમીન અઢીથી ત્રણ કિ.મીના અંતરે છે, જયારે માંડવી ગામને ફાળવાયેલી જમીન સાડા પાંચ કિ.મી જેટલા અંતરે છે.
કેમ લઈ લીધી સરકારે ગૌચરની જમીન?
માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચરની જમીન લેવાઈ છે. તેથી હાઈકોર્ટે સરકારની જાટકણી કાઢી કે, વિકાસના નામે સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહી. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં લોકો પશુપાલન કરીને આજીવિકા રળતા હોય છે તેથી કઠિન વાતાવરણમાં તેઓને દૂર જમીન આપવાથી હાલાકી થાય. હાઈકોર્ટે અરજદારપક્ષ તરફથી અરજીમાં જમીનના વર્ણવેલા અંતરને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને તેમને અરજીમાં જરૂરી સુધારો કરવાની મંજૂરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.