ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં સવારના 4 વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
IMD Red Alert in Gujarat: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો આજે સવારના ચાર વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વધુ નોંધાયો છે.
છેલ્લા બે દિવસથી વરસાદે અનેક જિલ્લાને ધમરોળ્યુ
ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. અને છેલ્લા બે દિવસથી વરસાદે અનેક જિલ્લાને ધમરોળ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ રાતથી આજે વહેલી સવાર સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદી-નાળા છલકાયા છે.
127 તાલુકા વરસાદથી તરબોળ
રાજ્યમાં ગઈરાત્રે બે વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા અનુસાર 127 તાલુકા વરસાદથી તરબોળ થયા છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 68 મિ.મી વરસાદ નોંધાયો છે. દાહોદ જીલ્લામા મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લીમડી, પાવડી, દેપાડા, કારઠ, સહીતના વિસ્તારોમા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે દાહોદ જીલ્લાના 8 પૈકી 4 ડેમો ઓવરફ્લો થયા છે.
બનાસકાંઠા, સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ
દાહોદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઈકબાલગઢ ગ્રામ્ય સહિત નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ધ્રોલ 2, કાલાવડ 2, જોડીયા 1.5, લાલપુર તાલુકામાં 4 મિ.મી વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે (26 ઓગસ્ટ) નવસારી, સુરત, દમણ, વડોદરા, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લામાં પણ વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.