મધ્યપ્રદેશમાં એક મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે પહેલી સપ્ટેમ્બરથી શાળાઓમાં વિદ્યાર્થીઓને જય હિન્દ બોલવું પડશે, જો કોઈ વિદ્યાર્થી જય હિન્દ નહીં બોલે તો તેને ભોપાલ લઈને સમજાવશે.
Madhya Pradesh: મધ્યપ્રદેશમાં આદિજાતિ કલ્યાણ મંત્રી વિજય શાહના નિવેદનથી વિવાદ છંછેડાયો છે. તેમણે કહ્યું કે શાળાઓમાં જય હિન્દ બોલીને વિદ્યાર્થીઓની હાજરી પુરવામાં આવશે.જે પણ બાળક જય હિન્દ નહીં બોલે તેને ભોપાલ લઈ જશે અને સમજાવશે. મંત્રીના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે.
બાળકોમાં દેશભક્તિની ભાવના વધશે
વિજય શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘હવે રતલામ જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ યસ સર કે યસ મેડમ નહીં કહે. હવે આપણે કહીશું જય હિન્દ સર અને જય હિન્દ મેડમ. વિદ્યાર્થીઓ જ્યારે જય હિન્દ સર બોલશે ત્યારે તેઓ હાથ ઉંચા કરીને બોલશે. વિદ્યાર્થીઓ દેશભક્તિ અને ઉત્સાહ સાથે જય હિન્દ સર બોલશે. આનાથી બાળકોમાં દેશભક્તિની ભાવના વધશે.
નબળા બાળકોની અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી
આ ઉપરાંત તેમણે વધુમાં અભ્યાસમાં નબળા બાળકોની અવગણના અંગે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ‘ઘણીવાર એવું જોવા મળે છે કે જે બાળકો અભ્યાસમાં થોડા નબળા હોય છે તેમને શિક્ષક પાછળ બેસાડે છે.’ વિજય શાહ રતલામ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા બાદ બુધવારે (28 ઓગસ્ટ) પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ભાજપના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી.
હરિયાણામાં પણ આદેશ જાહેર કર્યો હતો
અગાઉ હરિયાણા સરકારે પણ આવા પ્રકારનો આદેશ જાહેર કર્યો હતો કે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓએ સવારે ગુડ મોર્નિંગને બદલે જય હિન્દ બોલવું પડશે. આ નિર્ણયનો અમલ 15મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશનના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.