ફરી એકવાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર જોખમ બનીને તોળાઈ રહ્યું છે. ત્યારે લોકોને યાદ આવે છે વર્ષ 1998માં ગુજરાતમાં આવેલું વાવાઝોડું. જેમાં દેશભરમાંથી 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
હાલ કચ્છમાં ‘અસના’ વાવાઝોડાની અસર શરૂ ગઈ છે. કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસરને લઈ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ‘અસના’ વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડું વર્ષ 1998માં ગુજરાતમાં આવેલા વાવાઝોડાની યાદ અપાવે છે. ત્યારે એવું વાવાઝોડું આવ્યું હતું કે દેશભરમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1500 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વાવાઝોડું 8 જૂને આવ્યું હતું.
1998ન ચક્રવાતની યાદો કચ્છના લોકોમાં હજુ પણ તાજી છે જ્યારે જૂન મહિનામાં આવેલા વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી હતી. તે વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતમાં હતું. આ વાવાઝોડું 8 જૂને સિંધ-ગુજરાત બોર્ડર પર ત્રાટક્યું હતું. આ વિનાશક ચક્રવાત 4 જૂને રચાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ ચક્રવાતમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અંદાજ લગાવી શકાય છે કે આ પવનના રસ્તામાં જે કંઈ આવ્યું હશે તે નાશ પામ્યું હશે. તબાહી એવી હતી કે હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા. વાવાઝોડાએ કચ્છના કંડલા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. આ ચક્રવાતને કારણે દેશભરમાં 10,000 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાતે એકલા ગુજરાતમાં 1173 લોકોના જીવ લીધા હતા. 1998માં આવેલા આ વિનાશક વાવાઝોડાને યાદ કરીને લોકો કંપી ઉઠે છે. ત્યારે કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું.
9 જૂન, 1998 એક સામાન્ય દિવસ હતો. આકાશ પણ સાફ હતું. અચાનક આકાશ કાળું થઈ ગયું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. માત્ર 6 કલાકમાં સમગ્ર કંડલા વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું. ઝડપથી વધી રહેલા પાણીના સ્તરે લોકોના ઘરો, ખેતરો અને મીઠાના ખેતરોને પોતાની ચપેટમાં લેવાનું શરૂ કરી દીધું. લોકો ઊંચી જગ્યાએ દોડવા લાગ્યા. એક વ્યક્તિએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે વાવાઝોડું આવતા જ હું, મારો પરિવાર અને 28 લોકો મારા બે માળના મકાનના ધાબે જતા રહ્યા. ત્યારે દરિયામાં ઉછળતા 25 ફૂટના મોજા ઝડપથી શહેરની નજીક આવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આવી જ 25 ફૂટ ઊંચી લહેર તેમના ઘર સાથે અથડાઈ અને આખું ઘર ધરાશાયી થઈ ગયું. તેઓ થાંભલો પકડીને બચી ગયા પરંતુ તેમની પત્ની, બે પુત્રી અને અન્ય લોકો વહી ગયા. તેઓ કહે છે કે આ દુર્વાસા ઋષિના શ્રાપ કરતાં પણ ખરાબ હતું. સમગ્ર કંડલામાં માત્ર મોત અને વિનાશનું દ્રશ્ય હતું. સમગ્ર શહેરમાં મૃતદેહો જ મૃતદેહો હતા.
વાવાઝોડા બાદ બચી ગયેલા લોકો તેમના પરિજનોને શોધી રહ્યા હતા. મૃતદેહોને ટ્રકમાં ભરીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલની બાલ્કની, લોબી અને વેઇટિંગ હોલ હંગામી શબઘર બની ગયા હતા. કંડલા પોર્ટ પર 15 જહાજો ડૂબી ગયા હતા. ઊંચા મોજાં અને ભારે પવને બે જહાજોને નેશનલ હાઈવે-8A પર પટકી દીધા હતા. જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. કેટલા મકાનો, ઝૂંપડા અને વાહનો ધોવાઈ ગયા તેના ચોક્કસ આંકડા આજદિન સુધી પ્રાપ્ત થયા નથી.
એમ તો 1983ના વાવાઝોડાને ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું પણ કહેવામાં આવે છે. આમાં ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં થઈ હતી. જો કે સૌથી વધુ વિનાશ 1998માં આવેલા વાવાઝોડાએ કર્યો હતો. સરકારની તૈયારીઓને કારણે બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડામાં બહુ નુકસાન થયું ન હતું. 174 લોકોના મોત થયા છે, જ્યારે 81 લોકો ગુમ છે. તે સમયે પવનની મહત્તમ ગતિ 185 હતી. 1960થી અત્યાર સુધીમાં આઠ ચક્રવાત ગુજરાતમાં લેન્ડફોલ કરી ચૂક્યા છે.
IMDની ચક્રવાત એટલાસમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 1891 પછીથી ‘ગંભીર’ શ્રેણી (પવનની ઝડપ 89 થી 117 કિમી પ્રતિ કલાક) કે તેથી વધુના 6 ચક્રવાત જૂનમાં જ આવ્યા છે. ખાસ કરીને આ વાવાઝોડા વર્ષ 1900 પછી જ આવ્યા છે. આ ગંભીર વાવાઝોડા 1920, 1961, 1964, 1983, 1996 અને 1998માં આવ્યા હતા. 3 વર્ષ પહેલા તૌકતે વાવાઝોડું આવ્યું હતું અને આ પછી ગયા વર્ષે જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડું આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.