શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ 46 વર્ષીય જ્યોતિ ગોસાઈની હત્યા તેના જ પુત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માતાની હત્યા કર્યા બાદ પુત્રએ whatsappમાં સ્ટેટસ પણ મૂક્યું હતું.
જનેતાની હત્યા બાદ કપાતરે સ્ટેટસ મુક્યું: ”આઈ એમ કિલ ટુ માય મોમ, લોસ માય લાઇફ”
રાજકોટ: “માં તે માં…બીજા વગડાની વા” સહિત અનેક કહેવતોના માધ્યમથી સાહિત્યકારો,કવિઓ માં શબ્દ શું છે?? તે કેટલો પ્રેમાળ છે?? માં ની મમતા શું હોય છે?? તે વિશે આદિ અનાદિકાળથી વર્ણન કરતા આવ્યા છે પરંતુ રાજકોટ શહેરમાં એક એવો કિસ્સો બન્યો કે જેને બધા લોકોને હચમચાવી નાખ્યા જે આંગળી પકડી દીકરાને ચાલતા શીખવાડ્યો હતો તે જ દીકરાએ પોતાની માતાની હત્યા કરી અને બાદમાં જાણે બહાદુરીનું કામ કર્યું હોય તેમ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું કે ” I AM KILL TO MY MOM, LOSS MY LIFE, SORRY MOM, OM SHANTI, MISS YOU MOM
ગળાટુંપો આપી માતાની હત્યા નિપજાવી
રાજકોટ શહેરના ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલ આવાસ યોજનામાં રહેતા નિલેશ ગોસાઈએ પોતાની ૪૬ વર્ષીય માતા જ્યોતિબેન ગોસાઈની ગળાટુંપો આપીને હત્યા કર્યા બાદ પુત્ર નિલેશ માતાના મૃતદેહ પાસે બેસી પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યું હતું I AM KILL TO MY MOM, LOSS MY LIFE, SORRY MOM, OM SHANTI, MISS YOU MOM અને આ ઘટનાની જાણ તેના મિત્રને કરી હતી. ત્યારે નિલેશના મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી…
છૂટાછેડા બાદ મૃતકની માનસિક સ્થિતિ બગડી હતી
મૃતક જ્યોતિબેનને બે પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. નિલેશ ગોસાઈ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેની માતાના છૂટાછેડા થયા હતા. જે તે સમયે જ્યોતિ ગોસાઈ સાથે નિલેશ ગોસાઈ રહ્યો હતો. અને બાકીનો એક પુત્ર અને એક પુત્રી જ્યોતિના પતિ જશવંતગર ગોસાઈ સાથે રહે છે. છુટાછેડા બાદ જ્યોતિ ગોસાઈની માનસિક પરિસ્થિતિ બગડી ગઈ હતી. જેના કારણે તેને વૃદ્ધાશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. જ્યારે કે નિલેશને કચ્છ ખાતે આવેલા હોમ ફોર બોયઝમાં મોકલી આપવામાં આવ્યો હતો. નિલેશ મોટો થતાં તે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાંથી પોતાના ઘરે લાવ્યો હતો
તેમજ ત્યારબાદ રાજકોટ શહેર ખાતે બંને માતા પુત્ર ભાડાના મકાનમાં રહેતા હતા. નિલેશ ગોસાઈ દ્વારા પોતાની માતાની માનસિક અસ્થિરતા બાબતેની સારવાર પણ શરૂ કરાવવામાં આવી હતી. શરૂઆતના સમયગાળામાં જ્યોતિબેનની સારવાર થતાં તેમની માનસિક સ્થિતિ સારી થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેણીની તબિયતમાં કોઈ સુધારો જણાઇ નહોતો આવ્યો. તેમજ ક્યારેક તેઓ પોતાના કપડા કાઢી નાખતા હતા. પુત્ર નિલેશ ગોસાઈ સાથે મારકુટ કરતા હતા.
માતાના વર્તનથી કંટાળી જતા હત્યા કરી
આરોપી નિલેશ ગોસાઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતાની માતાની માનસિક અસ્થિર તોફાનથી તેમજ તેના વર્તનથી કંટાળી જઈને હત્યા કરી હતી. જેથી પોલીસ દ્વારા મૃતક જ્યોતિ ગોસાઈના અન્ય પુત્ર તેમજ પુત્રીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમણે પોતાની માતાની હત્યા અંગે ફરિયાદ નોંધાવવા બાબતે પણ રસ દાખવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. પોતાની મૃત માતા તેમજ હત્યારા ભાઈ નિલેશ સાથે કોઈપણ જાતનો સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.