Agriculture News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે
ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
Agriculture News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.
1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તદઅનુસાર, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.
ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. જોકે આવી ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે.
મુખ્યમંત્રીએ વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.
આવી પરવાનગી વખતે કબ્જેદારો પાસેથી “ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલીકીપણા- ટાઈટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે.” એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરશ્રીઓએ મેળવી લેવાનું રહેશે.
બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરાવવાનો રહેશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.