ભારતમાં દવાઓની ગુણવત્તા પર નજર રાખતી CDSCO એ 53 દવાઓને રેડ ફ્લેગ તરીકે જાહેર કરી છે. જેમાં કેલ્શિયમ અને વિટામિન્સથી લઈને ડાયાબિટીસથી બચવા માટેની ગોળીઓનો સમાવેશ થાય છે.
ભારતીય ઘરોમાં, તાવના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લીધા વિના પેરાસિટામોલની ગોળીઓ લેવી સામાન્ય વાત છે. જો તમે પણ આવું કરનારાઓમાં છો તો સાવધાન થઈ જાવ. ભારતમાં દવાઓની ગુણવત્તા પર નજર રાખતી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ પેરાસિટામોલને ‘નૉટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ જાહેર કરી દીધી છે. ભારતના ડ્રગ રેગ્યુલેટર, CDSCO દ્વારા ઓગસ્ટમાં હાથ ધરવામાં આવેલા ક્વોલિટી ટેસ્ટમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, વિટામિન્સ, કેલ્શિયમ D3 સપ્લિમેન્ટ્સ, બાળકોમાં બેક્ટેરિયલ ચેપ, એસિડ રિફ્લક્સ અને પેટના ચેપ માટેની કેટલીક દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે.
CDSCOના ડ્રગ એલર્ટ લિસ્ટમાં પેરાસિટામોલ સહિત 53 આવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેના ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. મતલબ કે બજારમાં હાજર આ દવાઓ નબળી ગુણવત્તાની છે. ડ્રગ રેગ્યુલેટરના ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થનારી આ દવાઓમાં પેરાસિટામોલ ઉપરાંતસામેલ અન્ય દવાઓ પણ ભારતમાં સૌથી વધુ વેચાતી દવાઓના લિસ્ટમાં સામેલ છે. આમાંની મોટાભાગની દવાઓનો ઉપયોગ મોટાભાગના ભારતીયો તેમના રોજિંદા જીવનમાં કરે છે.
આ દવાઓ ટેસ્ટમાં થઈ ફેલ
સીડીએસસીઓ દર મહિને બજારમાં હાજર દવાઓના ક્વોલિટી ટેસ્ટના આધારે ડ્રગ્સ એલર્ટ લિસ્ટ બહાર પાડે છે. આ યાદીમાં તે દવાઓનો સમાવેશ થાય છે, જેનો ટેસ્ટ સ્ટેટ ડ્રગ અધિકારીઓ મંથલી સેમ્પલિંગ દ્વારા કરે છે અને તેના પરિણામના આધારે ‘નૉટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) એલર્ટ’ જારી કરે છે. દવાઓના આ સેમ્પલિંગ પૂર્વ-નિર્ધારિત દુકાનોમાંથી નહીં પરંતુ રેન્ડમ સિલેક્શનના આધારે કરવામાં આવે છે.
- પેરાસીટામોલ ટેબ્લેટ્સ (500 મિલિગ્રામ): હળવો તાવ અને પેઇનકિલર માટે વપરાય છે, સામાન્ય રીતે પ્રાથમિક સારવારનો એક ભાગ છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં હોય છે.
- Glimepiride: ડાયાબિટીસની સારવારમાં વપરાતી આ દવાનું ઉત્પાદન Alkem Health દ્વારા કરવામાં આવ્યું હતું.
- Telma H (Telmisartan 40 mg): ગ્લેનમાર્કની આ દવા હાઈ બીપીની સારવારમાં આપવામાં આવે છે. આ દવા પણ ટેસ્ટમાં ફેલ થઈ છે.
- Pan D: એસિડ રિફ્લક્સની સારવાર માટે આપવામાં આવેલી આ દવા ગુણવત્તા પરીક્ષણમાં પણ નિષ્ફળ ગઈ. આ આલ્કેમ હેલ્થ સાયન્સે બનાવી હતી.
- શેલ્કલ C અને D3 કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ: પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા ઉત્પાદિત અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિતરિત કરાયેલ શેલ્કલ, પરીક્ષણમાં ધોરણોને પૂર્ણ કરતા નથી.
- Clavam 625: આ એક એન્ટિબાયોટિક દવા છે.
- Sepodem XP 50 Dry Suspension: બાળકોમાં ગંભીર બેક્ટેરિયલ ચેપની સારવાર માટે આપવામાં આવતી આ દવા, હૈદરાબાદની હેટેરો કંપની દ્વારા બનાવવામાં આવી હતી તે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હતી.
- Pulmosil (ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે): સન ફાર્મા દ્વારા ઉત્પાદિત, ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે સૂચવવામાં આવે છે.
- Pantocid (એસિડ રિફ્લક્સ માટે): એસિડિટી અને રિફ્લક્સની સારવાર માટે વપરાતી સન ફાર્માની આ દવા પણ ફેલ હોવાનું જણાયું હતું.
- Ursocol 300: સન ફાર્માની આ દવા પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી.
- Defcort 6: મેક્લિયોડ્સ ફાર્માની આ દવા, જે સંધિવાની સારવારમાં આપવામાં આવે છે, ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ.
આ કંપનીઓની દવાઓો છે સામેલ
અહેવાલ મુજબ, જે કંપનીઓની દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેમાં હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મેગ લાઇફસાયન્સ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.
કઈ કંપનીની કઈ દવા ફેઈલ થઈ
- ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓમાં Metronidazole નો સમાવેશ થાય છે, જે પેટના ચેપની સારવારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે.
- શેલ્કલનું ઉત્પાદન ઉત્તરાખંડની પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા કરવામાં આવે છે, જ્યારે તેનું વિતરણ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે.
- કોલકાતાની એક ડ્રગ ટેસ્ટિંગ લેબએ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક દવાઓ Clavam 625 અને Pan D ને નકલી જાહેર કરી છે.
- કોલકાતાની આ જ લેબએ હૈદરાબાદની હેટેરો ડ્રગ્સની Cepodem XP 50ની ગુણવત્તાને સબસ્ટાન્ડર્ડ જાહેર કરી છે. આ દવા બાળકોને ઉધરસ અને ગંભીર બેક્ટેરિયલ ચેપના કિસ્સામાં આપવામાં આવે છે.
- કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત પેરાસિટામોલ ગોળીઓની ગુણવત્તા પણ ઓછી હોવાનું કહેવાય છે.
- ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કહ્યું- અમારી દવાઓ ખરાબ નથી, ટેસ્ટમાં નકલી દવાઓનો ઉપયોગ
CDSCO એ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહેલી દવાઓના બે લિસ્ટ બહાર પાડ્યા છે. એક લિસ્ટમાં 48 પ્રખ્યાત દવાઓનો સમાવેશ થાય છે, જ્યારે બીજા લિસ્ટમાં 5 દવાઓ સામેલ છે. બીજા લિસ્ટમાં તે કંપનીઓ દ્વારા આપવામાં આવેલા જવાબો પણ સામેલ છે જેમની દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે. આ કંપનીઓએ તેમની દવાઓને ખરાબ માનવાનો ઈન્કાર કરી દીધો છે. આ કંપનીઓનું કહેવું છે કે ડ્રગ્સ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અમારી દવાઓની નકલ હોઈ શકે છે. બીજા લિસ્ટ સાથે જોડાયેલા જવાબમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીના જવાબ વિશે માહિતી આપતા CDSCOએ લખ્યું, ‘લેબલ પર લખેલા દાવાવાળી મૂળ ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે ડ્રગ ટેસ્ટમાં જે બેચ નંબરની દવા વપરાઈ છે, એ બેચની દવા એને બનાવી જ નથી. આ દવાઓ અમારી દવાઓની નકલો હોઈ શકે છે. જો કે તેના ટેસ્ટનું પરિણામ આવવાનું બાકી છે.’
CDSCOએ શું કહ્યું?
સીડીએસસીઓએ કહ્યું કે આ રિપોર્ટ નકલી દવાઓના ઉત્પાદનની તપાસના પરિણામો પર આધાર રાખે છે. હાલમાં, રેગ્યુલેટરી એજન્સી એ તપાસ કરી રહી છે કે શું આ દવાઓ ખરેખર નકલી સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવી છે અથવા ધોરણોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી છે. આ તપાસના પરિણામો ન આવે ત્યાં સુધી આ દવાઓને બજારમાં વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ રેગ્યુલેટરે સંબંધિત કંપનીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
સંભવિત જોખમો શું છે?
ક્વોલીટી સ્ટાન્ડર્ડમાં ફેલ દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. જો નકલી દવાઓ બજારમાં આવી રહી છે, તો તે ન માત્ર તબીબી સારવારને અસર કરે છે પણ દેશની આરોગ્ય સેવાઓ પર પણ મોટા પ્રશ્નો ઉભા કરે છે. CDSCO દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આ મુદ્દાની ગંભીરતાને દર્શાવે છે અને ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર કડક દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ઓગસ્ટમાં પણ 156 દવાઓ પર લગાવ્યો હતો પ્રતિબંધ
અગાઉ ઓગસ્ટમાં પણ CDSCOએ ભારતીય બજારોમાં એક જ ઝાટકે 156 દવાઓના કોમ્બિનેશનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે સંભવિત ખતરો માનવામાં આવી છે, તેમાં તાવ, પેઇન કિલર અને એલર્જી વગેરે માટે વપરાતી ઘણી પ્રખ્યાત દવાઓનો સમાવેશ થાય છે. આ અંગે હજુ પણ હોબાળો ચાલુ છે.
CDSCO શું છે?
CDSCO (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન) એ ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન છે, જે દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોના નિયમન અને ધોરણો માટે જવાબદાર પ્રમુખ સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. CDSCO એક નિયમનકારી સંસ્થાની જેમ કામ કરે છે જે સુનિશ્ચિત કરે છે કે દેશમાં ઉપલબ્ધ દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો સલામત, અસરકારક અને ગુણવત્તાના ધોરણો મુજબ હોય.
CDSCO ના કાર્યો
- દવાઓનું લાઇસન્સ અને નોંધણી: બજારમાં નવી દવાઓ અને તબીબી ઉપકરણો લાવવા માટે લાઇસન્સ જારી કરવું.
- ગુણવત્તાના ધોરણોનું નિરીક્ષણ કરવું: દવાઓ અને તબીબી ઉપકરણોની ગુણવત્તા અને સલામતી ધોરણો મુજબ છે તેની ખાતરી કરવી.
- ક્લિનિકલ ટ્રાયલ મંજૂરી: દવાઓ અને તબીબી ઉપકરણોને પરીક્ષણ કરવાની મંજૂરી આપવી જેથી તેમની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય.
- દવાઓનું ગુણવત્તા નિયંત્રણ: દવાઓના ઉત્પાદન અને વેચાણ પર દેખરેખ રાખવા અને ગુણવત્તાના ધોરણોનું પાલન ન કરતા ઉત્પાદનો સામે પગલાં લેવા.
- નિયમિત નિરીક્ષણ: દેશભરમાં દવાના ઉત્પાદન એકમોનું નિરીક્ષણ કરવું અને તેમના ગુણવત્તાના ધોરણોની સમીક્ષા કરવી.
- ફાર્માકોવિજિલન્સ (ડ્રગ સેફ્ટી મોનિટરિંગ): દવાઓના ઉપયોગ દરમિયાન થતી આડઅસરોનું નિરીક્ષણ અને રિપોર્ટની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.