Surat Crime News : સુરતના સરથાણામાં યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નબીરા ઝડપાયા, નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી હતી
Surat News : સત્તા અને પૈસાના નશામાં ચૂર નબીરાઓ કેટલી હદે બેફામ બન્યા છે તેનો પુરાવા સમાન ઘટનામાં સુરતમાં બની. સુરતના વાલક પાટિયા બ્રિજ પાસે જોખમી રીતે કાર ઉભી રાખી રીલ બનાવી રહેલાં બે યુવક-યુવતીઓને ત્યાંથી જવાનું કહેનાર ટ્રાફિક કોન્સ્ટેબલ પર જ કાર ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોનટ પર બેસી વાયપરના સહારે ૩૦૦ મીટર સુધી જીવના જોખમે લટકી રહેલાં આ કોન્સ્ટેબલે કાચ પર લાતો ફટકારવાનું શરૂ કરતાં નબીરાઓએ કાર રોકવાની ફરજ પડી હતી. પોલીસે આ બનાવવામાં બંને નબીરાઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
- યુવતી સાથે બ્રિજ પર ઉભા રહી રીલ બનાવતા નબીરા ઝડપાયા
- નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી હોવાનો આરોપ
- કોન્સ્ટેબલે કારના વાયપરના સહારે 300 મીટર બોનટ સાથે લટકી રહ્યો
- ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
ટ્રાફિક શાખાના રિજીયન-વનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ પ્રેમજી બપોરે રાબૈતા મુજબ ગોપીન ગામ તરફની સાઈડથી વાલક બ્રિજ પર સ્પીડ ગન લઈને ઉભો હતો. નિયત કરેલી સ્પીડ કરતાં વધુ ઝડપે જતાં વાહનચાલકોને રોકવાની કામગીરી કરતા આ કોન્સ્ટેબલને બપોરે સાડા બાર વાગ્યે આ બ્રિજ પર એક વેન્યુ કાર ઉભી રહેલી જોવા મળી હતી. બે યુવક અને બે યુવતીઓ આ કાર પાસે ઉભા રહી રીલ બનાવી રહ્યાનું જણાઈ આવ્યું હતું. આ કોન્સ્ટેબલે ઓવર બ્રિજ પર અકસ્માત થવાની સંભાવનાઓથી વાકેફ કરી ત્યાંથી જતા રહેવાનું કહેતાં ચારેય કારમાં તો બેસી ગયા હતા. પરંતુ કાર સીધી જ કોન્સ્ટેબલ તરફ હંકારી તેની પર ચઢાવી દેવાની કોશિશ કરી હતી.ચેતી ગયેલો કોન્સ્ટેબલ કૂદીને કારના બોનેટ પર પહોંચી ગયો હતો અને કારના વાયપર પકડી લીધા હતા. કાર પર પોલીસ કર્મચારી હોવાનું અને તેનું મૃત્યુ થઇ શકે તેવું જાણવા છતાં ચાલકે કાર ઉભી રાખી ન હતી. બાજુમાં બેસેલો યુવક પણ તેને ચાલકને ઉશ્કેરવાની કોશિશ કરતો હોઇ આ કોન્સ્ટેબલ એલર્ટ થઈ ગયો હતો.
ડ્રાઇવર તરફ આવી જઈ તેનું વિઝન રોકવાની સાથે બોનટ પર લાતો ફટકારતાં કાર ચાલકે ૩૦૦ મીટર આગળ જઈ કાર રોકવાની ફરજ પડી હતી. આ દરમ્યાન બિજ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કાર ઉભી રહી તે સાથે જ અંદર બેસેલી બંને યુવતીઓ સરકી ગઇ હતી. બીજી તરફ સરથાણા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. બંને વિરૂદ્ધ આ કોન્સ્ટેબલે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક પ્રાંજલ રમેશ ખેની અને કૃપીન હસમુખ વાસાણીની ધરપકડ કરી હતી. બંને સામે હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટ અંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.