આજથી વરસાદનુ જોર ઘટશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી સોમવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ નવરાત્રિમાં પણ ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. હવે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આજે ક્યાં ક્યાં આવશે વરસાદ
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી છે.
અમદાવાદમાં આજનો માહોલ
રાજ્ય હજી પણ વરસાદી માહોલ યથાવત છે. આજે વહેલી સવારથી કડી, કલોલ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. તો આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું. અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવો વરસાદ જોવા મળશે. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. તો સાથે જ મેઘધનુષી નજારો જોવા મળ્યો.
વડોદરામાં પૂરનું સંકટ
વડોદરાવાસીઓ પર ફરી પૂરનું સંકટ તોળા રહ્યુ છે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 24.83 ફૂટ પર પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોને ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજવા સરોવરની સપાટી 213.23 ફૂટ થઈ છે. આ સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. તો પ્રતાપપુરા સરોવરની જળસપાટી 227.28 ફૂટ થઈ છે. તો વડોદરા પર પૂરના સંકટના એંધાણ છે ત્યારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. તો વડોદરા તંત્રએ સલાહ આપી છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી. સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ સૂચન કરાયું છે.
છેલ્લાં 24 કલાકમાં વરસાદના આંકડા
રાજ્યમાં ચોમાસાના અંતે ફરી મેઘાની જમાવટ કરી છે. રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર, તાલુકામાં પણ પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો. વડોદરા શહેરમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો. બોટાદના ગઢડામાં પણ 3.5 ઈંચ વરસાદ પડ્યો. ગીરગઢડા, તાલાલા, પાદરામાં 3 ઈંચ વરસાદ વરસ્યો. ખાંભા, ડેડિયાપાડા, ઉના, મેંદરડામાં પણ 2 ઈંચને પાર થયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.