અંબાજી અને વડોદરા જળબંબાકાર : હવામાન વિભાગે કરી નવરાત્રી દરમિયાન વરસાદ અંગે આગાહી…

લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. થોડા દિવસોમાં જ નવરાત્રીની શરૂઆત થશે, બીજી તરફ હવામાન વિભાગે આ દરમિયાન વરસાદ અંગે આગાહી કરી છે.

અંબાજી અને વડોદરા જળબંબાકાર

ગાંધીનગર : રવિવારના રોજ ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો. જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને આ વિસ્તારના મુસાફરો માટે અસુવિધા ઊભી થઈ હતી. ઘણા વાહનો વરસાદના પાણીમાં અડધા ડૂબી ગયા હતા. અવિરત ધોધમાર વરસાદને કારણે અંબાજી વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગ દ્વારા આગાહી : ભારતીય હવામાન વિભાગે રવિવારે સાંજ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. જે અનુસાર ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના અલગ-અલગ સ્થળોએ મધ્યમ વાવાઝોડું, વીજળીના ચમકારા તથા મહત્તમ સપાટી પરના પવનની ઝડપ 40- 60 kmph સાથે ભારે વરસાદ (15 mm/hr) સંભવ છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : ગુજરાત રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, બનાસકાંઠા અને ખેડા સહિતના જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ હળવા વાવાઝોડું, 40 કિમી પ્રતિ કલાકથી ઓછી સપાટીના પવનની ઝડપ અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ (5 મીમી-15 મીમી/કલાક) પડવાની સંભાવના છે.

વડોદરામાં બે કલાકમાં 76 mm વરસાદ : વડોદરા શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તરમાં વધારો થયો હતો. અધિકારીઓએ આપેલ અહેવાલ મુજબ શહેરમાં માત્ર બે કલાકમાં 76 mm વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી : ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ આગામી સપ્તાહ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસ માટે મોટાભાગના ગુજરાતમાં સૂકા રહેવાની ધારણા છે. 3-5 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આથી ગુજરાતના અન્ય ભાગોમાં ગરબા ઉત્સવ આગળ વધી શકે છે, કારણ કે શુષ્ક હવામાન પ્રવર્તે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.