Gujarat Navratri Weather Forecast: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ ગુજરાતમાં ગુરુવારથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતીઓમાં એક જ ચિંતા છે કે, નવરાત્રિમાં વરસાદ ગરબા રમવા દેશે કે નહીં? ત્યારે હવામાન નિષ્ણાતએ (Gujarat Navratri Weather Forecast) કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતા વાર લાગશે એટલે નવરાત્રિમાં તો છૂટાછવાયા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
છુટોછવાયો વરસાદ થશે
હવામાન નિષ્ણાતએ પહેલી ઓક્ટોબરની રાતે પોતાની ‘યુ ટ્યુબ’ ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાય થઈ છે. આ વિદાયની શરૂઆત થઈ છે પરંતુ આખા ગુજરાતમાંથી ચોમાસું જતા સમય લાગશે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણીયા ઝાપટાંઓ પણ જોવા મળશે. હજી ચાર-પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતા નથી. આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે. તાપમાન પણ ઊંચું જશે. આ ઊંચા તાપમાનને કારણે ભેજ સર્જાશે અને તેને કારણે છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતા
આ સાથે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ જેવા વિસ્તારો સાથે પોરબંદરના વિસ્તારોમાં પણ મંડાણીયા વરસાદ જોવા મળી શકે છે. આ સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોનું તાપમાન પણ વધવાનું છે.
24 કલાકમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી
આવતી કાલે એટલે કે 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. બીજી તરફ ગુજરાતમાં ક્યાંક ક્યાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોના મનમાં હજી પણ ડર રહેલો છે કે વરસાદ ગમે ત્યારે તેમનો ખેલ બગાડી શકે છે. જોકે, હવામાન વિભાગ તરફથી મળતી માહિતી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.