આધુનિકતામાં પણ પરંપરા યથાવત
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 23 વર્ષથી પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહેર સમાજના લોકો માટે નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવે છે. નવરાત્રિમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યુ છે અને ગરબીઓનું મ્યુઝીક પણ પાર્ટીમય બની ચૂક્યુ છે, ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે.
મણિયારા રાસની પરંપરા કેવી છે
અહી પાંચમાં નોરતે આ વખતે પણ આપણી પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની ઝલક જોવા મળે છે. મહેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે. મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે. જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે.
આખું મેદાન સોનાના પ્રકાશથી ઝળહળી ઉઠે છે
મહેર સમાજના આગેવાન પોપટ ખુંટીએ જણાવ્યું કે, ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ઠ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે, તો પારંપરીક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો, કાપડું, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રુપિયાના સોનાના દાગીના પહેરે છે. આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનું લેવાનું પણ ટાળતા હોય છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ લાખો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે, ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાઈ છે.
મહેર સમાજે સાચવ્યો ગરબાનો વારસો
ંપોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ પાંચમાં નોરતે જ્યારે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે,મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે. આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.