Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને (Gujarat Education Board) વર્ષમાં બે વખત તમામ વિષયોની પરીક્ષા આપવાની તક મળશે. ‘બેસ્ટ ઓફ ટુ’ સિસ્ટમ અંતર્ગત, જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા પછી પૂરક પરીક્ષા આપશે, તેમના પરિણામમાં બંને પરીક્ષાઓ પૈકી વધુ ગુણ ધરાવતી પરીક્ષા ગણાશે.
તમામ વિષયોની પૂરક પરીક્ષા યોજવામાં આવશે
માર્ચ 2024ની ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં આ પદ્ધતિનો પ્રથમ વખત અમલ થયો હતો, જે સફળ રહ્યો. તેથી, બોર્ડે આ જ સિસ્ટમ હવે ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે પણ લાગુ કરવાની યોજના બનાવી છે. અગાઉ પૂરક પરીક્ષા માત્ર કેટલાક પસંદગીના વિષયોમાં લેવામાં આવતી, પરંતુ આ નીતિ બદલાવના આધારે હવે તમામ વિષયોની પૂરક પરીક્ષા યોજવામાં આવશે.
આ નિર્ણય પ્રમાણે, મુખ્ય પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને હજી એક તક મળશે. જો મુખ્ય પરીક્ષા દરમિયાન ઓછા ગુણ આવે, તો પૂરક પરીક્ષામાં બધી વિષયોની પરીક્ષા આપી વધુ ગુણ મેળવવાની તક મળશે. આ તકે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુણ સુધારવા માટે પૂરક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ બે પરીક્ષામાં વધુ ગુણ મેળવશે, તેનું પરિણામ આધારભૂત રહેશે.
બોર્ડે સ્કૂલ અને ટીચર રજિસ્ટ્રેશન શરૂ કર્યા
બોર્ડની પરીક્ષાઓના આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે. તે સંદર્ભે પરીક્ષાના આવેદન ભરતા પહેલા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. સ્કૂલ અને ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 11 ઓક્ટોબરથી શરૂ થઇ છે. સ્કૂલનું રજિસ્ટ્રેશન બોર્ડની વેબસાઈટ schoolreg.gseb.org ઉપર અને ટીચરનું રજિસ્ટ્રેશન teacherreg.gseb.org વેબસાઈટ પર કરવાનું જણાવ્યું છે.
CBSEની પરીક્ષા પણ ફેબ્રુઆરીમાં લેવાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન (CBSE)ની બોર્ડની પરીક્ષા પણ આગામી ફેબ્રુઆરી માસમાં જ લેવાનું આયોજન કરાયું છે. CBSE દ્વારા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કરી દીધી હતી. આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની સીબીએસઈની પરીક્ષા શરુ થવાની છે. ગુજરાત બોર્ડ પણ સંભવત 27મીથી બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરી રહ્યું છે ત્યારે સીબીએસઈ અને જીએસઈબી બંને પરીક્ષા એક જ માસમાં લેવામાં આવી શકે છે.
શિક્ષણ ગુણવત્તા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે
સરકારે GSHSEBની આ દરખાસ્તને મંજૂર કરી છે, જેમાં વર્ષમાં બે વખત પરીક્ષા યોજવાની અને ‘બેસ્ટ ઓફ ટુ’ સિસ્ટમ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પગલું ગુજરાતના શૈક્ષણિક વર્ગ માટે મહત્વપૂર્ણ સમાન થયું છે, કારણ કે તે વિદ્યાર્થીઓને વધુ એક તક પ્રદાન કરીને તેમની વિદ્યાશાખામાં પ્રગતિ માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ સિસ્ટમ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ બોર્ડની મુખ્ય પરીક્ષા ઉપરાંત પૂરક પરીક્ષામાં પણ બધી વિષયોની પરીક્ષા આપવાની સગવડ મળશે. આ નિર્ણાયક નીતિથી ન માત્ર વિદ્યાર્થીઓને વધુ સારી પરિણામો મેળવવા માટે વધુ તક મળશે, પણ તે રાજ્યના શિક્ષણ ગુણવત્તા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.