બેંગલુરૂઃ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ બેંગલુરૂમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના ભાઈ ગોપાલ જોશી પર એક મહિલાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવાનું વચન આપી છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. બેંગલુરૂમાં બસવેશ્વરનગર પોલીસે ગોપાલ જોશી, તેમના બહેન વિજયલક્ષ્મી જોશી અને પુત્ર અજય જોશી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદીની ઓળખ સુનીતા ચૌહાણ તરીકે કરવામાં આવી છે, જે પૂર્વ જેડીએસ ધારાસભ્ય દેવનંદ ચૌહાણની પત્ની છે. તેમણે જણાવ્યું કે ગોપાલ જોશીએ તેને બિજપુર ક્ષેત્રથી ભાજપની ટિકિટ અપાવવાનું વચન આપ્યું હતું, તે માટે મહિલાએ 25 લાખ રૂપિયા આપ્યા હતા.
એફઆઈઆરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ગોપાલ જોશીએ ટિકિટ માટે પાંચ કરોડ રૂપિયાની માંગ કરી હતી. સુનીતા ચૌહાણે જ્યારે પૈસા પરત કરવા માટે ગોપાલ જોશી પર દબાણ બનાવ્યું તો તેને હુમલાની ધમકી અને જાતિ આધારિત દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. 17 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના પરિવારજનો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી ગોપાલ જોશી, તેના બહેન અને પુત્રએ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ મામલામાં કેન્દ્રીય મંત્રીના પરિવારજનો સામેલ હોવાને કારણે ખુબ ચર્ચા ચાલી રહી છે.
રાજ્ય સ્વાસ્થ્ય મંત્રીએ આપી પ્રતિક્રિયા
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના પરિવારજનો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવા પર કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી જી પરમેશ્વરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- કેટલાક આરોપીઓની ધરપકડ થઈ અને તે ગોપાલ જોશીને શોધી રહ્યાં છે. એકવાર ધરપકડ થાય તો વધુ જાણકારી મળશે. ગોપાલ જોશી અત્યારે ફરાર છે. એકવાર તપાસ પૂર્ણ થશે તો બધી વિગત સામે આવશે કે તેમાં કોણ-કોણ સામેલ છે.
બેંગલુરૂના હનુમંતનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પ્રમાણે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે. સુનીતા ચૌહાણની ફરિયાદ પર આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.