અત્યંત ભીષણ સ્વરૂપ ધારણ કરશે દાના વાવાઝોડું, પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે પૂર્વ તટને પાર કરતા પહેલા તે ભીષણ ચક્રવાતમા ફેરવાય તેવી આશંકા…

બંગાળની ખાડી પર બનેલું ડિપ્રેશન બુધવારે ચક્રવાતી તોફાન દાનામાં ફેરવાઈ ગયું છે. IMD ના જણાવ્યાં મુજબ 25 ઓક્ટોબરના રોજ ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે પૂર્વ તટને પાર કરતા પહેલા તે ભીષણ ચક્રવાતમા ફેરવાય તેવી આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ માટે સરકાર અને સ્થાનિક પ્રશાસન પહેલેથી જ એલર્ટ મોડમાં છે. 150થી વધુ ટ્રેનો કેન્સલ છે. શાળા-કોલેજો બંધ કરાયા છે. લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત ઠેકાણે ખસેડવાની તૈયારી થઈ ચૂકી છે.

ક્યાં પહોંચ્યું દાના

IMD એ બુધવારે સવારે જણાવ્યું કે કાલે (મંગળવાર) પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર બનેલું ડિપ ડીપ્રેશન ગત છ કલાકમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ચક્રવાતી તોફાન દાનામાં ફેરવાઈ ગયું. સવારે 5.30 કલાક સુધીમાં તે પારાદીપ (ઓડિશા)થી લગભગ 560 કિમી દક્ષિણ-પૂર્વ અને સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)થી 630 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું.

ક્યાં થશે વાવાઝોડાનું લેન્ડફોલ?

ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપમાં તોફાનનું લેન્ડફોલ થશે. ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે પુરીથી લઈને પશ્ચિમ બંગાળ તટ સુધી સમગ્ર પૂર્વી તટા ચક્રવાતી તોફાન દાનાથી પ્રભાવિત થાય તેવું અનુમાન છે. આઈએમડીના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર બનેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને 25 ઓક્ટોબરના રોજ સવારે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તરી ઓડિશા ઉપર દક્ષિણ પશ્ચિમ બંગાળના તટોને પાર કરે તેવી આશંકા છે. આ દરમિયાન 100-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે.

સરકાર હાઈ એલર્ટ પર

ગંભીર ચક્રવાતી તોફાન દાનાને પહોંચી વળવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવા અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય તટરક્ષક દળે મંગળવારે કહ્યું હતું કે તેઓ હાઈ એલર્ટ પર છે અને તેમણે ચક્રવાતી તોફાનથી પેદા થનારી કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કરી દીધા છે.

800 શેલ્ટર સેન્ટર તૈયાર

ઓડિશા રાજ્ય સરકારે લગભગ 800 શેલ્ટર્સ તૈયાર રાખ્યા છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોથી કાઢવામાં આવેલા લોકોને રાખવામાં આવશે. ઓડિશાના રાજસ્વ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પુજારીએ કહ્યું કે તોફાનના કારણે વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકો માટે ભોજન, પાણી, દવા, વીજળી અને અન્ય જરૂરી ચીજોની વ્યવસ્થા કરાઈ છે. 800 આશ્રય કેન્દ્રો ઉપરાંત શાળા કોલેજોમાં 500 વધારાના અસ્થાયી શિબિર બનાવવામાં આવ્યા છે.

સુરક્ષા કારણોસર ચક્રવાતથી પ્રભાવિત થવાની આશંકાના પગલે 14 જિલ્લાઓમાં સુરક્ષા કારણોસર 23થી 25 ઓક્ટોબર સુધી તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત અન્ય શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પણ ચક્રવાત દાનાના પ્રકોપને પહોંચી વળવા માટે તૈયાર છે. કોલકાતામાં તેમણે કહ્યું કે સાત જિલ્લામાં સુરક્ષા કારણોસર તમામ શાળાઓ 23થી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. કોઈ જોખમ અમે લેવા માંગતા નથી.

માછીમારોને પાણીમાં ન જવાની સલાહ

હવામાન વિભાગે માછીમારોને 23થી 25 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટો પર હવાની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે અને ત્યારબાદ તે ધીરે ધીરે વધશે.

ગુજરાત માટે આગાહી

બીજી બાજુ રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે ગુજરાત માટે આગાહી કરતા કહ્યું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાત પર નહિ થાય. તાપમાન 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.

અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલે જો કે જે આગાહી કરી છે તે થોડી ચિંતા ઉપજાવનારી છે. કારણ કે તેમણે એક કે બે નહીં પરંતુ ત્રણ વાવાઝોડાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે 22 ઓક્ટોબરથી બાંગાળાના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ 30 મી ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. દિવાળી બાદ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે. 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આગાહી મુજબ 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બાંગાળાના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.