જે છે વેક્સિનના કટ્ટર વિરોધી તેને ટ્રમ્પે સોંપ્યું આરોગ્ય મંત્રાલય, સરકાર રચાતા પહેલા વિરોધનું વંટોળ…

એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ રોબર્ટ એફ. કેનેડી જુનિયરને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના પ્રમુખ બનાવ્યા છે. પરંતુ આ જાહેરાત કરતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે અને વિરોધ થવા લાગ્યો છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીના ભત્રીજા રોબર્ટ કેનેડી દેશના આગામી સ્વાસ્થ્ય મંત્રી હશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ પર તેમની નિમણૂકની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ નિમણૂક સાથે જ તેમનો વિરોધ પણ થવા લાગ્યો છે. એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ રોબર્ટ એફ. કેનેડી જુનિયરને ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના વડા તરીકે નિયુક્ત કર્યા છે. કેનેડીને વિશ્વભરમાં વેક્સિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે વેક્સિનથી ઓટિઝ્મ અને અન્ય બિમારી થવાનું જોખમ પેદા થઈ શકે છે.

આ પદ માટે કેનેડીના નામની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની હોય છે. આ મામલે આરોગ્ય અને માનવ સેવા વિભાગની મોટી ભૂમિકા રહેશે. આ વિભાગ એ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે તમામ અમેરિકન નાગરિકોને ખતરનાક કેમિકલ્સ, પ્રદૂષણ ફેલાવતા તત્વો, જંતુનાશકો, દવાઓ અને ખોરાકમાં મિક્સ કરવામાં આવતા એ પદાર્થોથી સુરક્ષા મળે, જેને કારણે આજે આપણા દેશમાં સ્વાસ્થ્યને લઈને એક મોટું સંકટ ઉભું થઈ ગયું છે.

તેમણે કહ્યું કે રોબર્ટ કેનેડી એ વિભાગોમાં ફરીથી વૈજ્ઞાનિક સંશોધનના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશે અને પારદર્શિતા લાવશે, જેથી લાંબા સમયથી ચાલતા રોગોનો સામનો કરી શકાય અને અમેરિકાને ફરીથી મહાન અને સ્વસ્થ બનાવી શકાય. ટ્રમ્પનું કહેવું છે કે ફૂડ ઈન્ડસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ લાંબા સમયથી અમેરિકાનું ગળું દબાવી રહી છે. આ કંપનીઓ છેતરપિંડી અને દુષ્પ્રચારનો આશરો લઈને પૈસા કમાઈ રહી છે. પરંતુ હવે અમે તેના પર લગામ લગાવીશું અને અમેરિકાને ફરીથી મહાન અને હેલ્ધી બનાવીશું. જણાવી દઈએ કે કેનેડીને દવા, વેક્સિન અને ખાદ્ય સુરક્ષા, મેડિકલ રિસર્ચ અને સામાજિક સુરક્ષા નેટ કાર્યક્રમોની દેખરેખની જવાબદારી સોંપવામાં આવશે.

શા માટે થઈ રહ્યો છે કેનેડીની નિમણૂકનો વિરોધ?

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે રોબર્ટ કેનેડીની નિમણૂકની જાહેરાત બાદ તરત જ આ નિર્ણય પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પે એક એવી વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કરી છે, જેમના વિચારો જાહેર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખતરનાક માનવામાં આવે છે. તે એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ છે.

કોણ છે રોબર્ટ એફ. કેનેડી જુનિયર?

રોબર્ટ કેનેડી જુનિયર વિશ્વના સૌથી શક્તિશાળી એન્ટિ-વેક્સિન એક્ટિવિસ્ટ છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ અમેરિકાના દિવંગત એટર્ની જનરલ રોબર્ટ એફ. કેનેડીના પુત્ર અને રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીના અને ભત્રીજા છે. તેઓ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉતર્યા હતા, પરંતુ બાદમાં રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.