Patan Student Death : MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ, સિનિયર વિદ્યાર્થીઓએ મૃતકને ત્રણેક કલાક ઊભા રાખી ઈન્ટ્રોડેકશન આપવાની વાત કરી હોવાની ચર્ચા
Patan Student Death : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. મૃતક વિદ્યાર્થી MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ તરફ પુત્રના મોતને લઈ પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે
પાટણના સીમાડે આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના શંકાસ્પદ મોતને કારણે હડકંપ મચી ગયો છે. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે હવે આ યુવકના મોતના સમાચાર સાંભળી પરિવારજનોની માથે જાણે આભ ફાટી પડ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયું છે
શું કહ્યુ ધારપુર મેડિકલ કોલેજના ડીને ?
સમગ્ર મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું કે, અનિલ નટવરભાઈ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થીઓની પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ મૃતક અનિલ નટવરભાઈ મેથાણીયાને ત્રણેક કલાક ઊભા રાખી ઈન્ટ્રોડેકશન આપવાની વાત કરેલ હતી. જે દરમિયાન આ ઘટના બનવા પામી હતી. અમે આ મામલે કમિટી મિટિંગ બોલાવી છે. જો રેગિંગની ઘટના સામે આવશે તો આ મામલે તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
શું કહ્યુ મૃતકના પરિવારજન ધર્મેન્દ્રભાઈએ ?
મૃતકના પરિવારજન ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મને પાટણ ધારપુર મેડિકલ કોલેજથી ફોન આવ્યો હતો કે, અનિલભાઈ ને ચક્કર આવતા પડી ગયો છે અને એડમિટ કરેલ છે. જેથી અમે લોકો અહી આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે, અનિલભાઈ મૃત્યુ પામ્યા છે. અનિલના મોતને લઈ વાત કરતાં તેમણે કહ્યુ કે, અમે એવી વાત સાંભળી હતી કે, રેગિંગ-કોલેજના ત્રીજા વર્ષવાળા રેગિંગ કરતાં હતા, મૃતક 2-3 કલાક ઊભો રહ્યો હશે અને ઓચિંતાનો ચક્કર આવતા પડી ગયો અને મૃત્યુ પામ્યો હશે. જો રેગિંગના કારણે મોત થયું હોય તો અમારી માંગણી છે કે, અમને યોગ્ય ન્યાય મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.