એનસીપીના નેતા નવાબ મલિકે ચેતવણીના સૂરે કહ્યું હતું કે શરદ પવાર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું નામ નિશાન નહીં રહે, ભાજપ ખતમ થઇ જશે. ભાજપે દગાબાજી કરીને સરકાર રચી હતી. સોમવારે રાત્રે મુંબઇની હૉટલ હયાતમાં શરદ પવારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના મળીને 162 ધારાસભ્યોની શપથ પરેડ યોજી ત્યારબાદ નવાબ મલિક એક ટીવી ચેનલ સાથે બોલી રહ્યા હતા.
શરદ પવાર ઇશારો કરે તો એ તમામ સભ્યો પાછા ફરશે
નવાબે કહ્યું કે ભાજપે દગો કર્યો હતો. અમે હૉટલ હયાતમાં 162 સભ્યોની શપથ પરેડ યોજીને ભાજપના બહુમતીના દાવાની પોલ ખુલ્લી પાડી હતી. ભાજપ શરદ પવારને ઓળખવામાં થાપ ખાઇ ગયો. પવાર ઇશારો માત્ર કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું નામનિશાન મટી જશે. ભાજપ ખતમ થઇ જશે. નવાબે કહ્યું કે આ ગોવા કે કર્ણાટક નથી, મહારાષ્ટ્ર છે એ હકીકત ભાજપે સમજી લેવાની જરૂર છે. અહીં દગાબાજોને સ્થાન નથી. ભાજપ જે 105 સભ્યોનો દાવો કરે છે એમાંના ઘણા અગાઉ કોંગ્રેસ અને એનસીપીમાંથી ભાજપમાં ગયેલા છે. શરદ પવાર ઇશારો કરે તો એ તમામ સભ્યો પાછા ફરશે અને ભાજપ ખાલી જઇ જશે.
સચિવે અજિત પવારને જોરદાર આંચકો આપ્યો
મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે કહ્યું હતું કે અમને એનસીપી તરફથી પત્ર મળી ગયો છે કે વિધાનસભા પક્ષના નેતા હવે જયંત પાટીલ છે અને એમણે આપેલો વ્હીપ જ આખરી ગણાશે. આમ મહારાષ્ટ્ર વિધાનસભા સચિવે અજિત પવારને જોરદાર આંચકો આપ્યો હતો અને આડકતરી રીતે કહી દીધુ હતું કે તમે પક્ષના ધારાસભ્યોને વ્હીપ આપી નહીં શકો.
ભાજપ અને અજિતની યોજના એવી હતી કે વિધાનસભા પક્ષના નેતા તરીકે એ એનસીપીના ધારાસભ્યોને વ્હીપ આપશે કે સરકારને વિશ્વાસના મતમાં સહકાર આપવો. ધારાસભ્યો વ્હીપ નહીં માને એટલે એમનું સભ્યપદ રદ થશે અને દેવેન્દ્ર ફડનવીસ સહેલાઇથી બહુમતી પુરવાર કરી શકશે. શરદ પવાર આ ગેમ સમજી ગયા હોવા જોઇએ. એટલેજ તેમણે સોમવારે સાંજેજ એનસીપીના વિધાનસભા પક્ષના નેતાપદેથી અજિત પવારને ખસેડીને જયંત પાટીલને વિધાનસભા પક્ષના નેતા બનાવી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.