પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું સોમવારે સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. હાર્ટ એટેકઆવતાતેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે 6 વાગીને 10 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેમણે પોતાના સાત ટેસ્ટના કરિયરમાં 49.27ની એવરેજથી 542 રન કર્યા હતા, જેમાં 1 સદી અને 3 અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેમના નિધન પછી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આપ્ટેએ ટેસ્ટ કરિયરની 7 મેચોમાં 49.27ની એવરેજથી 542 રન કર્યા હતા. તેમનો હાઈએસ્ટ સ્કોર 163* રન હતો, તે તેમણે વિન્ડીઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેન ખાતે કર્યો હતો. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર 1952માં પાકિસ્તાન વિરુદ્ધ મુંબઈમાં કર્યું હતું. તે મેચમાં તેમણે 30 અને 10* રન કર્યા હતા. પોતાના કરિયરની સાતમાંથી પાંચ મેચ તેમણે વિન્ડીઝના પ્રવાસે રમી હતી. ત્યાં તેમણે 51.11ની એવરેજથી 460 રન કર્યા હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વિન્ડીઝ વિરુદ્ધ કિંગ્સ્ટન ખાતે રમી હતી.
17 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા
ટેસ્ટ કરિયરની સરખામણીએ તેમનું ફર્સ્ટ ક્લાસ કરિયર ઘણું લાબું રહ્યું હતું. તેઓ 17 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા અને તે દરમિયાન 67 મેચોમાં 3336 રન બનાવ્યા. તેમાં 6 સદી અને 16 ફિફટીનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 165 રનનો હતો.
400થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર
માધવ આપ્ટે કોઈ પણ ટેસ્ટ સીરિઝમાં 400થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા. તેમણે 1953માં વિન્ડીઝ પ્રવાસ દરમિયાન 460 રન કરીને આ સિદ્ધિ મેળવી હતી. તેઓ મુંબઈની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા અને તેના કપ્તાન રહ્યા પણ હતા. આપ્ટેએ પોતાના કરિયર દરમિયાન વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય હઝારે અને રુસી મોદી જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે રમ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.