જનતાની સેવા માટે સરકારી ખુરશીમાં બેઠેલા સરકારી બાબુઓને હવે ખુરશીનું અભિમાન આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એવો જ સરકારી બાબુની દાદાગીરીનો એક વીડીયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સચિવાલયમાં એક અધિકારીએ અરજદાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સચિવાલયમાં આવેલા મહેસૂલ વિભાગનાં નાયબ સચિવ આર.વી ભટ્ટની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.
- ખુરશીનાં અભિમાને અધિકારીને ભૂલાવ્યું ભાન, વડીલ સાથે કરી ગેરવર્તણૂંક
- શું સરકારી ખુરશીમાં બેસીને ટાઈમપાસ કરવામાં જ રસ છે?
- પ્રજાના પૈસાથી જ તમારા પગાર થાય છે તે કેમ ભૂલી જાઓ છો?
મહેસૂલ વિભાગનાં નાયબ સચિવ આર.વી. ભટ્ટે એક સામાન્ય નાગરિકને કે જેઓ ઉંમરે વડીલ હતાં. તેઓને ખુરશી પર બેસતાની સાથે ઉઠાડી દીધાં હતાં. અરજદાર પોતે મહેસૂલને લગતી ફરિયાદ કરવા માટે નાયબ સચિવ સુધી પહોંચ્યા હતાં. પરંતુ નાયબ સચિવ આર.વી ભટ્ટે રજૂઆત માટે આવેલા વડીલને ખુરશીમાં બેસવા ના દીધાં. ઉલ્ટાનું વડીલને ધમકાવતા એમ કહ્યું કે, ‘હું કહું તો જ ખુરશી પર બેસવાનું.’
જો કે મહત્વની બાબત એ છે કે અરજદાર પોતે આર.વી. ભટ્ટની મંજૂરી લઈને કેબિનમાં ગયા હતાં. તેમ છતાં નાયબ સચિવ આર.વી. ભટ્ટે વડીલ અરજદાર સાથે ગેરવર્તણૂંક કરી હતી. જો કે હવે સવાલ એ ઉભા થાય છે કે જનતાની સેવા માટે સરકારી ખુરશીમાં બેઠેલા અધિકારીઓ જ જ્યારે જનતાની સેવા કરવાનું જ ભૂલી જાય અને ખુરશીનું અભિમાન આવી જાય ત્યારે તેવા અધિકારીનું શું કરવું તે એક મોટો સવાલ છે.
આ સમગ્ર ઘટનાનો જે વીડિયો વાયરલ થયો છે. તેમાં આર.વી. ભટ્ટ સામે અરજદાર આક્ષેપ કરી રહ્યાં છે અને કેટલાંક સવાલો પૂછી રહ્યાં છે. વીડિયોમાં અરજદાર એવું કહી રહ્યાં છે કે શું ખુરશીમાં અરજદારને બેસવાનો અધિકાર નથી. આ ખુરશી અરજદારો માટેની જ છે. તો એમાં બેસવા માટે તમારી પાસે મંજૂરી શા માટે લેવાની. આ મામલે આર.વી. ભટ્ટ પોતાનો બચાવ કરતા નજરે પડ્યાં અને કામ પૂર્ણ થઈ ગયુ હોય તો અહીંથી જાઓ તેમ કહીને વડીલને ઓફિસમાંથી બહાર નીકળી જવાનું કહેતા નજરે પડ્યાં.
અહીં સવાલ એ જ ઉભો થાય છે કે જે જનતાના ટેક્સનાં રૂપિયાથી સરકારી બાબુઓના પગાર થાય છે. તે જ જનતાની સેવા કરવા માટે તમે બેઠા છો. ત્યારે જનતાની સેવા કરવામાં આટલું બળ કેમ પડે છે અને તમને સરકારી ખુરશી મળી છે તો એ શા માટે ભૂલી જાઓ છો કે એ પ્રજાની સેવા માટે છે. તો અરજદારોને જરા તો માન આપો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.