હે રામઃ મહાત્મા ગાંધીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાંથી ઝડપાઈ એવી પ્રવૃતિ કે, પોલીસના ઉડ્યા હોંશ

રાજકોટમાં ગાંધી મૂલ્યોના જતનનો દેખાડો કરી કરોડોના ખર્ચે ગાંભી મ્યુઝિયમ બનાવાયુ છે પરંતુ બાપૂએ સ્થાપેલી રાષ્ટ્રિય શાળાને પેશકદમીઓની લૂણો લાગી ગયો છે, અધુરામા પુરૂ આજે આ ગરિમાપૂર્ણ સ્થળમાથી પાંચ લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપાતા રાષ્ટ્રિય શાળાના સંચાલન અને જતનમાં સરકાર અને પોલીસ ખાતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે. પોલીસને છ માસ અગાઉ જાણ કરવામા આવી હોવા છતા પોલીસ દારૂ પકડી શકી ન હતી.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે ચોપડે જ રહી હોય એ રીતે રાજકોટમાં ગાંધીજી નિર્મિત રાષ્ટ્રીયશાળા સંકુલ જાણે દારૂનો અડ્ડો બની ગયું હોય એ રીતે રાષ્ટ્રીય શાળાના પુર્વ કર્મચારી પુષ્પાબેન દક્ષિણીના બંધ ક્વાર્ટરમાંથી ૫,૧૭,૯૭૫ની કિંમતનો ૭૪૯ બોટલ, ટીન દારૂ, બીયરનો જથ્થો મળી આવતા એ ડિવીઝન પોલીસે જથ્થો કબજે લઈ ક્વાર્ટર કબ્જેદાર સંદિપ દિલીપભાઈ દક્ષિણીની શોધ આદરી છે.

રાષ્ટ્રીય શાળામાં ગેરકાયદે દબાણ કે અન્ય કોઈને કોઈ રીતે બદીઓને લઈને રાષ્ટ્રીયશાળાની શાખને સમયાંતરે લુણો લાગતો રહ્યો છે. ગાંધીજી નિર્મિત સંસ્થા હોવાની આ સંસ્થા પ્રત્યે રાજકીય આગેવાનોથી લઈ સરકારી વિભાગો કર્મચારીઓને પણ સહાનુભુતિ કે વિશ્વસનીયતાનો ભાવ ભરેલો રહે છે જેનો કેટલાક રહેવાસીઓ દ્વારા ગેરફાયદો પણ ઉઠાવાતો રહે છે.

રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડમાં જ કર્મચારીઓ માટેના રહેણાંક ક્વાર્ટરો છે જે પૈકીના સંદિપ દક્ષીણીના ક્વાર્ટરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળતા દરોડો પાડયાનો પી.આઈ. એન.કે.જાડેજા જણાવ્યું હતું.

પોલીસ સ્ટાફ ક્વાર્ટર પર ધસી જતાં ક્વાર્ટરને તાળા લાગેલા હતા જેથી નિયમ મુજબ પંચોની રૂબરૂમાં ક્વાર્ટરના તાળા તોડયા હતા. અંદર પ્રવેશતા કાર્ટુનોનો જથ્થો પડેલો હતો.

જે ખોલીને તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની ૫,૦૭,૦૭૫ની કિંમતીની ૪૭૩ મોટી બોટલો તથા ૧૦,૩૦૦ની કિંમતની ૨૬૦ નાની બોટલ (ચપલા) દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ૧૬ ટીન બીયર પણ મળી આવતા કુલ ૫.૧૮ લાખનો જથ્થો કબજે લેવાયો હતો.

આસપાસના રહેવાસીઓને પોલીસ પુછતાંછ કરતા ક્વાર્ટરમાં સંદિપ દિલીપભાઈ દક્ષિણી રહેતો હોવાનું ખુલતા સંદિપ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને શોધ આદરી છે.

સંદિપ હાથમાં આવ્યા બાદ દારૂનો જથ્થો ક્યારે મંગાવ્યો, કેટલા સમયથી સંગ્રહ કરતો કે વચેતો હતો ? રાષ્ટ્રીય શાળાના અન્ય કોઈની સંડોવણી કે નહી ? સહિતની બાબતો ખુલશેનું પોલીસે જણાવ્યું હતું.

 

રાષ્ટ્રીયશાળા ૧૯૨૧માં ગાંધીજીએ સ્થાપેલી
રાજકોટ : રાષ્ટ્રીયશાળાની સ્થાપના ૧૯૨૧માં રાષ્ટ્રપિતા ગાંધીજીએ નવી કેળવણી માટે કરી હતી. રાષ્ટ્રીય શાળામાં રચનાત્મક પ્રવૃતિનો પાયો નાખવામાં આવ્યો હતો. સત્યાગ્રહ અને આઝાદીની ચળવળનું આ શાળા કેન્દ્ર બની હતી. આઝાદી બાદ તેનું મહત્વ સરકારો વિસરી ગઈ હતી અને તેના કારણે શાળાની કફોડી હાલત થઈ હતી. જો કે, તાજેતરમાં સરકારે ગ્રાંટ ફાળવતા મેદાનમાં સુધારા કરાયા છે. મુખ્ય કક્ષનું પણ સમારકામ થનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.