કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહેવા મુદ્દે તે પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહીં માગે. તેમણે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. હું મારા નિવેદન પર અડગ છું અને માફી નહીં માગું.
પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહેવા મુદ્દે ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે તેવા સમયે રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું છે. સંસદના શીયાળુ સત્રમાં એસપીજી બીલ અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા પછી ભારે હોબાળો સર્જાયો હતો.
ત્યાર પછી રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરતાં લખ્યું હતું કે આતંકી પ્રજ્ઞા ઠાકુરે આતંકી ગોડસેને દેશભક્ત કહ્યા. આ ટ્વીટના વિરોધમાં ભાજપે શુક્રવારે રાહુલ ગાંધી સામે મોરચો ખોલ્યો હતો.
પ્રજ્ઞા ઠાકુરે ગૃહમાં શુક્રવારે માફી માગ્યા પછી ગોડ્ડાથી ભાજપના સાંસદ ડૉક્ટર નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેમના વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો ઉપયોગ કરવો જોઈએ.
નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના નિવેદનને મહાત્મા ગાંધીની હત્યાથી પણ વધુ ખરાબ કૃત્ય ગણાવ્યું હતું. તેમણે આ મુદ્દે શિવસેનાને પણ લપેટમાં લેતા કહ્યું કે કોંગ્રેસ સત્તા અને લાલચ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે તેણે સરકાર બનાવી લીધી.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ગોડસેને દેશભક્ત કહ્યા હતા. રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે પાસે માફી મગાવશે તેવો તેમણે સવાલ કર્યો હતો. ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમણે પ્રજ્ઞા ઠાકુરને આતંકવાદી કહેવા મુદ્દે તેમની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ આ મુદ્દે માફી નહીં માગે. ભાજપે જે કરવું હોય તે કરી શકે છે.:
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.